ખેડૂતોનો મામલો સુપ્રીમ કોર્ટમાં: 16મીએ સુનાવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે લાગુ કરેલા ત્રણ કૃષિ કાયદાના વિરોધમાં રાષ્ટ્રીય પાટનગર દિલ્હીના જુદા જુદા સીમા વિસ્તારોમાં દેખાવો કરી રહેલા ખેડૂતોને તત્કાળ હટાવવાનો સંબંધિત સત્તાવાળાઓને આદેશ આપવામાં આવે એવી માગણી કરતી એક પીટિશન પર સુપ્રીમ કોર્ટ 16 ડિસેમ્બરે સુનાવણી કરે એવી ધારણા છે. ખેડૂત આંદોલનને કારણે સીમાવિસ્તારોમાં રસ્તાઓ બંધ થઈ ગયા હોવાથી પ્રવાસીઓને ઘણી તકલીફ ભોગવવી પડે છે, વળી કોવિડ-19ના કેસોમાં વધારો પણ થયો છે એવી દલીલ પીટિશનમાં કરવામાં આવી છે.

ઋષભ શર્મા નામના એક કાયદા શાખાના વિદ્યાર્થીએ આ પીટિશન નોંધાવી છે જેની પર દેશના વડા ન્યાયમૂર્તિ એસ.એ. બોબડે અને ન્યાયમૂર્તિ એ.એસ. બોપન્ના અને વી. રામસુબ્રણ્યનની બેન્ચ સુનાવણી કરશે. ખેડૂતોના આંદોલનનો આજે 19મો દિવસ છે.