ખેડૂતોનું ‘ચક્કા જામ’: જમ્મુથી હરિયાણા સુધી હાઇવે બ્લોક

નવી દિલ્હીઃ કૃષિ કાયદાઓનો વિરોધ કરવા માટે ખેડૂતોનું ‘ચક્કા જામ’ શરૂ થઈ ગયું છે. દિલ્હી, ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડ સિવાય અન્ય જગ્યાઓએ ખેડૂતોએ હાઇવેને જામ કરવાનું શરૂ કર્યું છે. પ્રદર્શનકારી ખેડૂતોએ પંજાબ, હરિયાણાથી માંડીને જમ્મુ અને દેશભરમાં હાઇવે બ્લોક કર્યો છે. દિલ્હીનાં કેટલાંય મેટ્રો સ્ટેશનો બંધ કરવામાં આવ્યાં છે. કોંગ્રેસે આ ‘ચક્કા જામ’ને ટેકો આપ્યો છે. જોકે દિલ્હી-એનસીઆરમાં 50,000ના આશરે 500 જવાનોને તહેનાત કરવામાં આવ્યા છે. લાલ કિલ્લાને છાવણીમાં તબદિલ કરવામાં આવ્યો છે. પોલીસ સિવાય પેરા મિલિટરી ફોર્સની તહેનાત કરવામાં આવી છે. આ ‘ચક્કા જામ’ ત્રણ વાગ્યા સુધી ચાલશે.  

હજારોની સંખ્યામાં ખેડૂતોએ નેશનલ હાઇવેને જામ કર્યો છે. ખેડૂતોએ કહ્યું હતું કે કૃષિ કાયદા પરત નહીં લેવામાં આવે ત્યાં સુધી આંદોલન જારી રહેશે. રાંચી-કોલકાતા હાઇવે પર ખેડૂતોના ‘ચક્કા જામ’ થતાં વાહન-વ્યવહાર બંધ છે.

ખેડૂતો શાંતિપૂર્ણ આંદોલન કરી રહ્યા છેઃ ટિકૈત

ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતે કહ્યું હતું કે દેશમાં ખેડૂતોનું ‘ચક્કા જામ’ શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે દેશની માટીથી ખેડૂતો જોડાયેલા છે. આ જન આંદોલન છે. રોટી તિજોરીમાં બંધ ના થાય એ માટેનું આંદોલન છે. અમે ક્યાય જવાના નથી. અમે ઓક્ટોબર સુધી અહીં જ બેસીશું, એમ તેમણે કહ્યું હતું.

પ્રજાસત્તાક દિવસે ટ્રેક્ટર પરેડ હિંસાને જોતાં દિલ્હી એનસીઆરમાં ભારે સુરક્ષા-વ્યવસ્થા કરવામાં આવી છે.

 

 

Farmers protest countrywide chakka jam