ફ્લાવર કોરમા

શિયાળાની ઋતુ દરમિયાન ફ્લાવર સારા મળી રહે છે. ફ્લાવરના શાકમાં પણ ઘણી વેરાયટી બને છે. નાળિયેર, કાજુ તેમજ ગરમ મસાલાના સ્વાદવાળું આ શાક ખરેખર ટેસ્ટી લાગે છે!

 

સામગ્રીઃ  

  • ફ્લાવરના ટુકડા 250 ગ્રામ
  • ફ્લાવર પલળે એટલું ગરમ પાણી
  • મીઠું 1 ટી.સ્પૂન

કુરમા પેસ્ટઃ

  • તાજું ખમણેલું નાળિયેર ½ કપ
  • લીલા મરચાં 4-5 (અથવા સૂકાં લાલ મરચાં 4-5)
  • આદુ 1 ઈંચ
  • લસણ 5-6 કળી
  • શેકેલી ચણા દાળ 1 ટે.સ્પૂન
  • કાજુ 10-12 (કાજુને બદલે મગજતરીના બી 2 ટે.સ્પૂન લઈ શકાય છે)
  • ખસખસ 1 ટી.સ્પૂન
  • વરિયાળી ½ ટી.સ્પૂન
  • તજનો ટુકડો 1 ઈંચ
  • તેલ 2 ટે.સ્પૂન

વઘાર માટેઃ

  • તજ 1 ઈંચ
  • લવિંગ 2
  • વરિયાળી ½ ટી.સ્પૂન
  • તેજ પત્તા 1-2 (અથવા કળી પત્તાના 6-7 પાન)
  • 1 કાંદો, ટમેટું 1
  • કોથમીર ધોઈને સમારેલી 1 ટે.સ્પૂન
  • 2-3 ચપટી હીંગ
  • મીઠું સ્વાદ મુજબ

રીતઃ એક મોટા બાઉલમાં ગરમ પાણીમાં મીઠું નાખીને ફ્લાવરના ટુકડા 5-10 મિનિટ માટે પલાળી રાખવા જેથી અંદર રહેલા જીવાત નીકળી જાય.

કાજુ તેમજ ખસખસને એક વાટકીમાં પાણી લઈ અડધો કલાક અગાઉથી પલાળી રાખવા.

મિક્સીમાં ખમણેલું નાળિયેર, લીલા મરચાં, આદુ, લસણ, શેકેલી ચણા દાળ, પલાળેલા કાજુ તેમજ ખસખસ, તજનો ટુકડો, વરિયાળી લઈ તેમાં જરૂર મુજબનું પાણી ઉમેરીને પેસ્ટ બનાવી લો. (લીલા મરચાંને બદલે સૂકાં લાલ મરચાં નાખશો તો આ શાકનો રંગ કેસરી થશે.)

એક કઢાઈમાં 2 ટે.સ્પૂન ગરમ કરી તજ, લવિંગ તેમજ વરિયાળી દાણાનો વઘાર કરો. 2-3 ચપટી હીંગ નાખવી, ત્યારબાદ તેમાં તેજ પત્તા તેમજ સમારેલો કાંદો નાખીને ગુલાબી રંગ થાય ત્યાં સુધી સાંતળો. હવે તેમાં સમારેલું ટમેટું નાખીને તેલ છુટૂં પડે અને ટમેટું ઓગળે ત્યાં સુધી સાંતળો. હવે તેમાં કાજુ-નાળિયેરની પેસ્ટ ઉમેરીને ફ્લાવરના ટુકડા મિક્સ કરી દો. ½ કપ જેટલું પાણી ઉમેરીને કઢાઈ ઢાંકીને ગેસની ધીમી-મધ્યમ આંચે શાકને ચઢવા દો. ફ્લાવર ચઢી જાય એટલે કોથમીર ભભરાવીને ગેસ બંધ કરીને કઢાઈ ઉતારી લેવી.

ફ્લાવરનું આ શાક પુરી, પરોઠા તેમજ જીરાથી વઘારેલા ભાત સાથે સારું લાગે છે!