રાયલસીમાઃ આંધ પ્રદેશમાં ભારે વરસાદથી તારાજી થઈ છે. આ ભારે વરસાદને લીધે આવેલા પૂરમાં ચાર શહેરો, 1366 ગામ ચપેટમાં આવ્યાં છે અને 23 ગામ ડૂબ્યાં છે, એમ સરકારી ડેટા કહે છે. આ પૂરને લીધે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. છેલ્લા કેટલાક દિવસોના ભારે વરસાદથી કેટલીય નદીઓમાં ભારે પૂર આવ્યાં છે. બધાં જળાશયો છલોછલ થઈ ગયાં છે. ચિત્તુર, કડપા, નેલ્લુર, અંતનપુર જિલ્લાના કેટલાય વિસ્તારોમાં પૂરથી લોકોની સ્થિતિ કફોડી બની છે. આ જિલ્લામાં કેટલાંય ગામ અને શહેરો પૂરગ્રસ્ત બન્યા છે. કેટલાંય મકાનો ડૂબી ગયાં છે. કેટલાય લોકો પાણીપ્રવાહમાં તણાઈ ગયા છે. મોતનો આંકડો દરરોજ વધતો જાય છે. અત્યાર સુધી રવિવારના 12 વધુ લોકોનાં મોત સાથે 41 લોકોનાં મોત થયાં છે.
સરકારી અધિકારી અને NDRFની ટીમ પૂરમાં ફસાયેલા લોકોને બચાવીને સુરક્ષિત સ્થાનોએ પહોંચાડી રહી છે. અનેક વિસ્તારોમાં નેશનલ હાઇવે નદી જેવા દેખાઈ રહ્યા છે. રસ્તાઓ અને નદી પરના પૂલ તૂટી ગયા છે. અનેક લોકો ફસાઈ ગયા છે. અનેક વિસ્તારોમાં રેલવેની લાઇનની ઉપરથી પાણી વહી રહ્યું છે. રસ્તા માર્ગ અને રેલ માર્ગ ઠપ થઈ ગયા છે. રેલવેએ કેટલીય ટ્રેનો રદ કરી છે.
સરકારી આંકડાઓ મુજબ શુક્રવારે સરેરાશ 35.4 મિમી વરસાદ થયો છે, જેમાં ચાર જિલ્લાઓમાં સૌથી વધુ- ચિત્તુરમાં 107.3 મિમી, કડપામાં 96.4 મિમી, અનંતપુરમાં 76.9 મિમી, નેલ્લુરમાં 52.6 મિમી વરસાદ વરસ્યો છે.