દેશના વીર જવાનો વીરતા પુરસ્કારોથી સમ્માનિત

નવી દિલ્હીઃ દેશની સુરક્ષા માટે અદમ્સ સાહસનું પ્રદર્શન કરનાર જવાનોને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા આજે અહીં રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત સમારોહમાં ‘વીરતા પુરસ્કારો’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. આજના સમારોહમાં રાષ્ટ્રપતિએ બે કીર્તિ ચક્ર, એક વીર ચક્ર, 10 શૌર્ય ચક્ર, 13 પરમ વિશિષ્ટ સેવા મેડલ, બે ઉત્તમ યુદ્ધ સેવા મેડલ અને 24 અતિ વિશિષ્ટ સેવા મેડલ એનાયત કર્યા હતા.

વિંગ કમાન્ડર (જે હવે ગ્રુપ કેપ્ટન છે) વર્તમાન અભિનંદન (ફ્લાઈંગ પાઈલટ)ને ‘વીર ચક્ર’થી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 2019ની 27 ફેબ્રુઆરીએ વિંગ કમાન્ડર મિગ-21 વિમાનમાં હતા. ભારતની હવાઈ સીમાની અંદર આવી હુમલાનો પ્રયાસ કરનાર પાકિસ્તાન હવાઈ દળના એક યુદ્ધ બોમ્બર વિમાન F-16ને એમણે હવાઈ જંગ દરમિયાન તોડી પાડ્યું હતું. એ જંગ દરમિયાન અભિનંદનનું વિમાન પાકિસ્તાની ધરતી પર દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. અભિનંદનને પાકિસ્તાની સત્તાવાળાઓએ પકડી લીધા હતા, પરંતુ બાદમાં એમને માનભેર ભારત પાછા મોકલ્યા હતા.

ગ્રુપ કેપ્ટન વર્તમાન અભિનંદન

બહાદુર અધિકારી, મેજર વિભૂતિ શંકર ધોંડિયાલને તેમની અસાધારણ હિંમત, ફરજ પ્રત્યેની નિષ્ઠા અને સર્વોચ્ચ બલિદાન માટે મરણોત્તર ‘શૌર્ય ચક્ર’થી સન્માનિત કરવામાં આવ્યા. ત્રાસવાદી-વિરોધી એક ઓપરેશનમાં મેજર વિભૂતિ શંકર ધૌંડિયાલે 5 આતંકવાદીઓને ખતમ કર્યા હતા અને ત્રાસવાદીઓ પાસેથી 200 કિલો વિસ્ફોટક સામગ્રી મળી આવી હતી. કમનસીબે મેજર વિભૂતિ શંકર ધોંડિયાલ શહીદ થયા હતા. આજે એમના પત્ની લેફ્ટનન્ટ નિતિકા કૌલ અને માતાએ ‘શૌર્ય ચક્ર’ સ્વીકાર્યો હતો.

લેફ્ટનન્ટ જનરલ યોગેશ કુમાર જોશીને ઉત્કૃષ્ટ કમાન્ડ અને અનુકરણીય નેતૃત્વ માટે ‘ઉત્તમ યુદ્ધ સેવા મેડલ’ એનાયત કરાયો હતો. પુરસ્કાર એનાયત સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, સેનાની ત્રણેય પાંખના વડા તથા ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ જનરલ બિપીન રાવત પણ ઉપસ્થિત રહ્યા હતા.