ચૂંટણી પંચની સુપ્રિયા શ્રીનેત, દિલીપ ઘોષને નોટિસ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષોમાં નિવેદનોનો દોર શરૂ થઈ ગયો છે. ચૂંટણી પંચની વારંવારની ચેતવણી છતાં નેતાઓનાં વાંધાજનક નિવેદનોનો સિલસિલો જારી છે. ચૂંટણી પંચે કોંગ્રેસનાં પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત અને ભાજપના દિલીપ ઘોષને નોટિસ મોકલી છે.

સુપ્રિયા શ્રીનેતને બોલિવુડ એક્ટ્રેસ અને હિમાચલની મંડીથી ભાજપનાં ઉમેદવાર કંગના રણોતને લઈને વાંધાજનક ટિપ્પણી કરી હતી, જ્યાર પશ્ચિમ બંગાળમાં ભાજપના નેતા દિલીપ ઘોષે CM મમતા બેનરજીને લઈને અમર્યાદિત વાત કહી હતી.

ચૂંટણી પંચે સુપ્રિયા શ્રીનેત અને દિલીપ ઘોષને નોટિસ મોકલીને પૂછ્યું છે કે તેમની વિરુદ્ધ કાર્યવાહી કેમ ના કરવામાં આવે? ડેડલાઇન સુધી કોઈ પ્રતિક્રિયા ના મળવાની સ્થિતિમાં એ માનવામાં આવશે કે તેમની પાસે કહેવા માટે કંઈ છે નહીં.

સુપ્રિયા શ્રીનેતે શું કહ્યું?

કોંગ્રેસનાં રાષ્ટ્રીય પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે સોશિયલ મિડિયા અકાઉન્ટથી એક્ટ્રેસ કંગના રણોતને લઈને એક વાંધાજનક પોસ્ટ શેર કર્યા પછી વિવાદ થયો હતો. એના જવાબમાં કંગનાએ કહ્યું હતું કે દરેક મહિલા ગરિમાની હકદાર છે. જોકે વિવાદ વધતાં સુપ્રિયાએ એ પોસ્ટ કાઢી નાખી હતી. સુપ્રિયાએ કહ્યું હતું કે હું આવું નથી કરી શકતી. મારા એકાઉન્ટમાંથી બીજા કોઈએ આવું કર્યું છે. મને ખબર પડતાં  પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

દિલીપ ઘોષે શું કહ્યું હતું?

સોશિયલ મિડિયા પર વિડિયોમાં દિલીપ ઘોષે એક સભામાં CM મમતા બેનરજીની પરિવારની પૃષ્ઠભૂમિની મજાક ઉડાડી હતી. એને લઈને વિવાદ થયો હતો. એ પછી ભાજપે નોટિસ જારી કરીને દિલીપ ઘોષથી ટિપ્પણીને લઈને સ્પષ્ટીકરણ માગ્યું હતું.