એકનાથ શિંદે સરકાર ‘ઝેરીલા ઝાડનું ફળ’: ઠાકરે જૂથ

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી પહેલાં ઉદ્ધવ ઠાકરે જૂથ દ્વારા જવાબ દાખલ કરવામાં આવ્યો હતો. ઠાકરે જૂથે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલા સોગંદનામામાં કહ્યું હતું કે મહારાષ્ટ્રમાં એકનાથ શિંદે સરકાર ‘ઝેરીલા ઝાડના ફળ’ સમાન છે. એનાં બીજ બળવાખોર વિધાનસભ્યો દ્વારા સુપ્રીમ કોર્ટમાં વાવવામાં આવ્યાં હતાં.

ઠાકરે જૂથે કહ્યું હતું કે શિંદે જૂથના વિધાનસભ્યોએ બંધારણીય પાપ કર્યું છે. એકનાથ શિંદે અને બળવાખોર વિધાનસભ્ય અશુદ્ધ હાથ લઈને સુપ્રીમ કોર્ટ પહોંચ્યા છે. તેમણે ડેપ્યુટી સ્પીકરની વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને ખોટું નિવેદન આપ્યું છે. બળવાખોર વિધાનસભ્યો પાર્ટીવિરોધી કામગીરી છુપાવવા માટે અસલી સેનાના દાવા સાથે ચૂંટણી પંચનો સંપર્ક કર્યો છે. એ સમજાતું નથી કે બળવાખોર વિધાનસભ્યોને મહારાષ્ટ્ર છોડીને ભાજપ શાસિત ગુજરાતમાં કેમ જવું પડ્યું? ત્યાર બાદ આસામમાં ભાજપની ગોદમાં બેસવું પડ્યું. જો તેમને પાર્ટીના કાર્યકર્તાઓનો ટેકો પ્રાપ્ત હતો, તો આવું કેમ કર્યું?  કેમ કે ગુજરાત અને આસામમાં શિવસેનાના કેડર નહીં હતા. માત્ર ભાજપ કેડર હતા, જે વિધાનસભ્યોને દરેક ચીજવસ્તુ સુલભ રીતે ઉપલબ્ધ કરાવતા હતા.

ઠાકરે જૂથ દ્વારા કહેવામાં આવ્યું હતું કે શિંદે જૂથના વિધાનસભ્યોએ પાર્ટીવિરોધી કામગીરીને યોગ્ય ઠેરવવા ખોટી વાત કરી છે કે NCP અને કોંગ્રેસના સિવસેનાની સાથે ગઠબંધનની સાથે તેમના મતદાતાઓ નારાજ છે. જોકે હકીકત એ છે કે એ વિધાનસભ્ય મહાવિકાસ આઘાડી ગઠબંધનમાં અઢી વર્ષ સુધી મંત્રી બન્યા રહ્યા હોવા છતાં તેમણે કોઈ વાંધોવિરોધ નહોતો ઊભો કર્યો.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]