નવી દિલ્હીઃ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ (નાણાકીય ગેરરીતિ)ના કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)એ આજે મોટી કાર્યવાહી કરી છે. તેના અધિકારીઓએ હેરાલ્ડ હાઉસ ઈમારતમાં યંગ ઈન્ડિયન પ્રા.લિ. કંપનીની ઓફિસને સીલ કરી દીધી છે. આ કંપનીની માલિક છે એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) કંપની. નેશનલ હેરાલ્ડ અંગ્રેજી અખબાર એજેએલ તથા એની હોલ્ડિંગ કંપની યંગ ઈન્ડિયનના નામે પ્રકાશિત કરાય છે અને રજિસ્ટર કરાયું છે. હેરાલ્ડ હાઉસમાં નેશનલ હેરાલ્ડની અન્ય ઓફિસો ચાલુ છે. ઈડીની પરવાનગી વગર કોઈને પણ યંગ ઈન્ડિયનનું કાર્યાલય ખોલવા દેવામાં નહીં આવે. આ કેસમાં એજન્સીના અધિકારીઓએ કોંગ્રેસનાં કાર્યવાહક પ્રમુખ સોનિયા ગાંધી અને એમનાં પુત્ર રાહુલ ગાંધીની પૂછપરછ કરી છે. યંગ ઈન્ડિયન ઓફિસ કામચલાઉ બંધ કરાવાયા બાદ દિલ્હીમાં કોંગ્રેસ પક્ષના મુખ્યાલયની બહાર તેમજ કોંગ્રેસનાં કાર્યાવાહક પ્રમુખ સોનિયા ગાંધીનાં નિવાસસ્થાનની બહાર પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
શું છે નેશનલ હેરાલ્ડ કેસ?
2012માં ભાજપના વરિષ્ઠ નેતા સુબ્રમણ્યમ સ્વામીએ ટ્રાયલ કોર્ટમાં અરજી કરીને એવો આરોપ મૂક્યો હતો કે કોંગ્રેસના અમુક નેતાઓ (સોનિયા-રાહુલ ગાંધી ઉપરાંત)એ યંગ ઈન્ડિયા લિમિટેડ કંપની મારફત એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ (એજેએલ) કંપનીનું ખોટી રીતે હસ્તાંતરણ કર્યું હતું. દિલ્હીના બહાદૂર શાહ ઝફર માર્ગ પર આવેલા હેરાલ્ડ હાઉસની ઈમારતનો કબજો લેવા માટે કોંગ્રેસના નેતાઓએ પક્ષના ભંડોળનો ઉપયોગ કર્યો હતો. 2008માં નેશનલ હેરાલ્ડ અખબાર બંધ પડ્યું હતું ત્યારે કોંગ્રેસની એસોસિએટેડ જર્નલ્સ લિમિટેડ પર રૂ. 90 કરોડનું દેવું હતું. એ લોન અખબારને ફરી ચાલુ કરવા માટે આપવામાં આવી હતી. પરંતુ અખબાર ચલાવવાનું શક્ય બન્યું નહોતું. એજેએલ કંપની કોંગ્રેસને તે લોન પરત કરી શકી નહોતી. ત્યારબાદ 2011ની 26 ફેબ્રુઆરીએ કોંગ્રેસે એજેએલની 90 કરોડની પ્રોપર્ટી જપ્ત કરી હતી. આનો અર્થ કે કોંગ્રેસે તેને 90 કરોડની લોન આપી હતી. નેશનલ હેરાલ્ડ અખબાર પ્રકાશિત કરતી એજેએલની પ્રોપર્ટીને ગેરકાયદેસર રીતે હાંસલ કરીને યંગ ઈન્ડિયા કંપનીમાં ટ્રાન્સફર કરી દેવામાં આવી હતી. આ કંપનીમાં સોનિયા ગાંધી અને રાહુલ ગાંધીનો 38-38 ટકા હિસ્સો છે.