આંધ્રની ગારમેન્ટ કંપનીમાં ગેસ-ગળતરઃ 87 કર્મચારીઓ હોસ્પિટલમાં

હૈદરાબાદઃ આંધ્ર પ્રદેશના અચ્યુતપુરમ જિલ્લામાં બ્રેન્ડિક્સ સ્પેશિયલ ઇકોનોમિક ઝોનમાં એક એપરલ ઉત્પાદક કંપનીમાં ગેસ ગળતર થયા પછી 87 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જોકે અત્યાર સુધી કોઈ પણ વ્યક્તિની જાનહાનિ નથી થઈ. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલા તમામ દર્દીની હાલત સ્થિર છે.

પ્રદૂષણ બોર્ડે સેમ્પલ્સ લીધાં છે અને એને સિકંદરાબાદની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ કેમિકલ ટેક્નોલોજી (IICT)માં મોકલવામાં આવ્યા છે. આંધ્ર પ્રદેશના ઉદ્યોગપ્રધાન ગુડીવાડા અમરનાથે ઝેરી ગેસ ગળતરની ઘટના વિશે વિશાખાપટ્ટનમમાં કહ્યું હતું કે આ દુર્ઘટના તપાસ માટે ઉચ્ચ સ્તરીય સમિતિ કરશે. આ ઉપરાંત જે સેમ્પલ્સ લેવામાં આવ્યાં છે, એને ICMR માટે વધુ તપાસ માટે મોકલવામાં આવ્યાં છે. આ ઘટના જાણીબૂજીને ઇરાદાપૂર્વક કરવામાં આવી હતી કે કેમ? –એની તપાસ કરવાની બાકી છે, એમ તેમણે કહ્યું હતું.

આ ઘટનાના પ્રારંભિક અહેવાલોથી માલૂમ પડે છે કે મહિલા કર્મચારીઓને ઊલટી થઈ રહી હતી અને બેભાન પણ થઈ ગઈ હતી. અન્ના કાપલ્લી જિલ્લાના બ્રેન્ડિક્ના એક એકમ ક્વાન્ટમ સીડ્સમાં ગેસનું ગળતર થતાં મહિલા કર્મચારીઓ બીમાર પડી ગઈ હતી.

અચ્યુતાપુરમ સ્થિત એક કંપનીમાં ગેસ ગળતરની સૂચના મળ્યા પછી કેટલીક મહિલા કર્મચારીઓ બીમાર પડી ગઈ હતી, એમ અનાકાપલ્લી પોલીસે જણાવ્યું હતું, જેમાંથી કેટલીકને સ્થાનિક હોસ્પિટલને દાખલ કરવામાં આવી હતી. પોલીસ APPCB અધિકારીઓના આવવાની રાહ જોઈ રહી હતી અને કોઈને એકમમાં અંદર પ્રવેશવા નહોતી દેતી. બ્રેન્ડિક્સ SEZના ગારમેન્ટ ઉત્પાદન યુનિટમાં હજારો કર્મચારીઓ કામ કરે છે, જેમાં મોટા ભાગની મહિલા કર્મચારીઓ છે.