EDએ ઈ-નગેટ્સ કેસમાં રૂ. 7.12 કરોડના બિટકોઇન જપ્ત કર્યા

નવી દિલ્હીઃ ઈ-નગેટ્સ ગેમિંગ એપ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ તપાસ હેઠળ રૂ. 7.12 કરોડના બીટકોઇનને ફ્રીઝ કર્યા છે અને રોકડા રૂ. 1.65 કરોડ જપ્ત કર્યા છે, એમ તપાસ એજન્સીએ જણાવ્યું હતું. એજન્સીએ હાલમાં કોલકાતામાં બે સ્થળોએ સર્ચ ઓપરેશન કર્યાં હતાં, જેમાં એજન્સીએ પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA)ની જોગવાઈઓ હેઠળ દસ્તાવેજો જપ્ત કર્યા છે.

કોલકાતા પોલીસ દ્વારા આમિર ખાન અને અન્યની સામે તત્કાળ FIR નોંધવામાં આવ્યો છે. આ FIR ફેડરલ બેન્કના સત્તાવાળાઓએ કોર્ટમાં કરેલી ફરિયાદને આધારે નોંધવામાં આવ્યો છે.

ખાને ઈ-નગેટ્સ નામથી મોબાઇલ ગેમિંગ એપ્લિકેશન લોન્ચ કરી હતી, જે જનતાને છેતરપિંડી કરવાના ઉદ્દેશથી બનાવવામાં આવી હતી. સામાન્ય જનતા પાસેથી મોટી રકમ વસૂલ્યા પછી અચાનક કોઈને કોઈ બહાને એ એપમાંથી એક્ઝિટ કરવા પર અટકાવી દેવામાં આવતું હતું. ત્યાર બાદ એપ સર્વરથી પ્રોફાઇલ માહિતી સહિત બધા ડેટા કાઢી કાઢવામાં આવતો હતો. એજન્સીની તપાસ દરમ્યાન એ માલૂમ પડ્યું હતું કે અનેક એકાઉન્ટ્સ (300થી વધુ)નો ઉપયોગ નાણાંને વ્હાઇટ કરવા માટે કરવામાં આવતો હતો.

આ પહેલાં ખાનની સામેની તપાસ ઝુંબેશમાં તેના નિવાસસ્થાનેથી રૂ. 17.32 કરોડની રકમ જપ્ત કરવામાં આવી હતી અને રૂ. 13.56 કરોડના બિટકોઇન અને રૂ. 47.64 લાખની અન્ય ક્રિપ્ટો કરન્સીને પણ ફ્રીઝ કરવામાં આવી હતી. આ સિવાય ખાન અને તેમના સાથીના બેન્ક ખાતામાંથી રૂ. 5.47 કરોડ એજન્સીએ ફ્રીઝ કર્યા હતા. મની લોન્ડરિંગ એક્ટ હેઠળ અત્યાર સુધી કુલ રૂ. 51.16 કરોડની રકમ જપ્ત કરવામાં આવી ચૂક્યા છે. આ મામલે વધુ તપાસ જારી છે.