મુંબઈઃ મની લોન્ડરિંગના એક કેસમાં કેન્દ્રીય તપાસ એજન્સી એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ (ઈડી)ના અધિકારીઓએ મહારાષ્ટ્રના અલ્પસંખ્યકોના ખાતાના પ્રધાન નવાબ મલિકની આજે બપોરે ધરપકડ કરી છે. મુંબઈમાં અન્ડરવર્લ્ડની પ્રવૃત્તિઓ સાથે સાંકળવામાં આવેલી એક તપાસમાં ઈડી એજન્સીના અધિકારીઓએ મલિકની સવારથી લઈને આઠ કલાક સુધી પૂછપરછ કરી હતી. એમણે મલિકને દક્ષિણ મુંબઈસ્થિત ED કાર્યાલયમાં બોલાવ્યા હતા. પૂછપરછ દરમિયાન અધિકારીઓએ મલિકનું નિવેદન પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત રેકોર્ડ કર્યું હતું. બાદમાં બપોરે એમની ધરપકડ કરી હતી. એમની ધરપકડની જાહેરાત ઈડી એજન્સીના મુંબઈ કાર્યાલયસ્થિત આસિસ્ટન્ટ ડાયરેક્ટર નીરજ કુમારે કરી હતી. અરેસ્ટ ઓર્ડરની કોપીઓ બાદમાં મિડિયામાં વિતરિત કરવામાં આવી હતી.
મલિક મહારાષ્ટ્રમાં ત્રણ પક્ષની સંયુક્ત સરકારમાં ભાગીદાર રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રવક્તા છે અને પક્ષના મુંબઈ એકમના વડા પણ છે. ધરપકડ કરાયા બાદ અધિકારીઓ મલિકને મેડિકલ ચેકઅપ માટે લઈ જતા હતા. એ માટે ઈડીની ઓફિસમાંથી બહાર આવ્યા ત્યારે ત્યાં ઊભેલા પત્રકારોને મલિકે કહ્યું હતું કે, ‘મારી ધરપકડ કરવામાં આવી છે. હું લડી લઈશ અને જીતીને બતાવીશ. હું જરાય નમતું નહીં જોખું. હું બધો જ પર્દાફાશ કરી દઈશ.’