ભારતે યુક્રેન સંકટની વચ્ચે 242 વિદ્યાર્થીઓને સુરક્ષિત કાઢ્યા

નવી દિલ્હીઃ રશિયા અને યુક્રેનની વચ્ચે ઘેરાતા યુદ્ધનાં વાદળો વચ્ચે એર ઇન્ડિયાનું વિમાન યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓને લઈને સુરક્ષિત રીતે નવી દિલ્હીના એરપોર્ટ પર પહોંચી ગયું છે. આ વિમાનમાં 242 વિદ્યાર્થીઓ સવાર હતા. યુક્રેન અને એની આસપાસના વિસ્તારોમાંથી ભારતમાં આવવા માટે નીકળેલા આ વિદ્યાર્થીઓ તેમનાં માતા-પિતાને ફરી મળ્યા હતા.

આ વિદ્યાર્થીઓને ભારત લાવવા માટે ડ્રીમલાઇનર B-787 વિમાનને તહેનાત કરવામાં આવ્યું હતું. આ ફ્લાઇટને યુક્રેનના ખાર્કિવથી નવી દિલ્હી લાવવા માટે મૂકવામાં આવી હતી.

હું જ્યાં રહું છું, એ વિસ્તારમાં પરિસ્થિતિ સામાન્ય છે, જ્યારે યુનિવર્સિટીએ ઓનલાઇન શૈક્ષણિક કાર્ય શરૂ કરી દીધું છે. એટલે હવે પહેલાંની જેમ ચિંતા કરવાની કોઈ વાત નથી, એમ યુક્રેનમાં MBBSનો અભ્યાસ કરતા નીરવ પાટીલે કહ્યું હતું. અન્ય એક વિદ્યાર્થી ક્રિષ્ણાએ કહ્યું હતું કે તેનાં માતાપિતા તેને લઈને ચિંતિત હતાં, કેમ કે હું યુક્રેન-રશિયાની સરહદથી 900 કિમી દૂર હતો. અમે પાંચથી છ વિદ્યાર્થીઓ ગુજરાતના રહેવાસી છીએ, અમારા માતા-પિતા અમને લઈને ઘણા ચિંતિત હતાં, એ જ કારણે અમારે ભારત પરત ફરવું પડ્યું છે, એમ તેણે કહ્યું હતું.

વિદેશ મંત્રાલયે યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને જરૂરી સૂચના અને મદદ ઉપલબ્ધ કરાવવા માટે બુધવારે એક કન્ટ્રોલ રૂમ પણ સ્થાપિત કર્યો હતો. આ સિવાય યુક્રેન સ્થિત ભારતીય એમ્બેસીએ પૂર્વના યુરોપિયન દેશમાં ભારતીયોની મદદ માટે 24 કલાકની હેલ્પલાઇન પણ સ્થાપિત કરી હતી.