નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમણના કેસમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આવામાં રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરવો બહુ જરૂરી છે. ચ્યવનપ્રાશ રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે. દિલ્હી સરકાર દ્વારા સંચાલિત આયુર્વેદિક હોસ્પિટલે દાવો કર્યો છે કે કોવિડ-19ની સામે ઇમ્યુનિટી વધારવા માટે ચ્યવનપ્રાશ અસરકારક છે, એવું એક અભ્યાસમાં જણાયું છે. આ અભ્યાસમાં ચ્યવનપ્રાશનાં પ્રોત્સાહક પરિણામો સામે આવ્યાં છે.
ભારતીય મેડિસિન પદ્ધતિની દેશની સૌથી મોટી હોસ્પિટલ ચૌધરી બ્રહ્મ પ્રકાશ આયુર્વેદ ચરક સંસ્થાનના હેલ્થકેર વર્કર્સ પર ચાર મહિનાના લાંબા અભ્યાસે સૂચન કર્યું છે કે ચ્યવનપ્રાશનો નિયમિત ઉપયોગ કોઈ પણ વ્યક્તિને કોરોનાના ગંભીર સંક્રમણથી બચાવી શકે છે.
આ અભ્યાસ ગયા વર્ષે મેમાં 200 કોરોનાના નેગેટિવ રિપોર્ટ ધરાવતા હેલ્થકેર પ્રોફેશનલ્સ પર કરવામાં આવ્યો હતો, તેમને બે ગ્રુપમાં વહેંચવામાં આવ્યા હતા- સ્ટડી અને કન્ટ્રોલ.
આ સ્ટડી ગ્રુપને દૈનિક ધોરણે સવારે ખાલી પેટે બે વખત 12 ગ્રામ ચ્યવનપ્રાશ આપવામાં આવતું હતું, જેમાં સવારના નાસ્તાના એક કલાક પહેલાં અને રાત્રે જમ્યાના બે કલાક પછી ગરમ પાણી સાથે.
કન્ટ્રોલ ગ્રુપે WHOની માર્ગદર્શિકાનું હેલ્થકેર વર્કર્સે પાલન કર્યું હતું. આ બંને ગ્રુપમાંથી કોઈ વ્યક્તિને 30 દિવસ સુધી સંક્રમણ થયું નહોતું. જોકે સ્ટડી ગ્રુપના સહભાગીઓ કોવિડ-19ના ગંભીર ચેપથી વધુ સુરક્ષિત હોવાનું જણાયું હતું, પણ માત્ર બે જણ બે મહિના પછી RT-PCRનો ટેસ્ટ પોઝિટિવ આવ્યો હતો, એમ હોસ્પિટલના ડિરેક્ટર અને પ્રિન્સિપલ, પ્રોફેસર (ડોક્ટર) વિદુલા ગુર્જરવારે કહ્યું હતું.
બીજી બાજુ કન્ટ્રોલ ગ્રુપમાં આ જ સમયગાળામાં ચાર સહભાગીઓના RT-PCRના ટેસ્ટ પોઝિટિવ આવ્યા હતા અને તેમાંથી એકને હોસ્પિટલમાં દાખલ કરવો પડ્યો હતો, એમ તેમણે કહ્યું હતું.
,