વાયુ પ્રદૂષણને લીધે 12મા ધોરણ સુધી બધા ક્લાસીસ ઓનલાઇનઃ SC

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવતાં આદેશ આપ્યો છે કે દિલ્હી-NCRમાં 12 ધોરણ સુધી બધા ક્લાસીસ ઓનલાઇન કરી દેવાનો આદેશ આપ્યો છે. કોર્ટે કહ્યું હતું કે નાગરિકોને પ્રદૂષણમુક્ત વાતાવરણમાં રાખવાનું બધાં રાજ્યોની બંધારણીય જવાબદારી છે. કોર્ટે કહ્યું હતું કે GRAP-ચાર લેવલ હેઠળ પ્રતિબંધ જારી રહેવો જોઈએ. ભલે પછી AQI 450 નીચે જતો રહે.  

દિલ્હીમાં આ વર્ષે પણ વાયુ પ્રદૂષણ ખતરનાક સ્તરે પહોંચી ગયું છે, જેને કારણે લોકોના સ્વાસ્થ્યને ગંભીર અસર પહોંચી રહી છે. દિલ્હી-NCRમાં વધી રહેલા વાયુ પ્રદૂષણના મુદ્દે સોમવારે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને ફટકાર લગાવી હતી.

સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારને પૂછ્યું કે GRAP અગાઉ કેમ લાગુ કેમ કરવામાં ન આવ્યું? એર ક્વોલિટી ઈન્ડેક્સ (AQI) 300 થી ઉપર હતો ત્યારે પણ GRAP-3 શા માટે લાગુ કરવામાં ન આવ્યો? કોર્ટે પૂછ્યું હતું કે 13 નવેમ્બરે AQI 401ને પાર કરી ગયો હતો, પરંતુ GRAP-3 ત્રણ દિવસ પછી કેમ લાગુ કરવામાં આવ્યો? તમે GRAP-4ના અમલ માટે શાં પગલાં લઈ રહ્યા છો?

કોર્ટે દિલ્હી સરકારને કહ્યું કે દિલ્હીમાં AQI 300થી નીચે જાય તો પણ કોર્ટની પરવાનગી વિના GRAP-4ને દૂર કરવામાં ન આવે. હવે દિલ્હીમાં વધી રહેલા પ્રદૂષણ વચ્ચે GRAP 4ના પ્રતિબંધો લાગુ કરવામાં આવ્યા છે. હવે મોટા વાહનોના પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યા છે અને બાંધકામનાં કામો પર પણ પ્રતિબંધ મૂકવામાં આવશે. આ સિવાય દિલ્હીમાં નોંધાયેલા ડીઝલ વાહનો પર પણ પ્રતિબંધ લગાવવામાં આવશે.