નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે આપેલી પરવાનગી અનુસાર એરલાઈન કંપનીઓ આજથી દેશમાં ઘરેલુ ફ્લાઈટ્સ પૂરી (100%) ક્ષમતા સાથે ફરી શરૂ કરી શકશે. જોકે એરલાઈનોએ કોરોનાવાઈરસનો ફેલાવો રોકવા માટે સરકારે જાહેર કરેલા નિયંત્રણોનું પાલન કરવાનું રહેશે. દેશમાં ગયા જૂન અને જુલાઈ વચ્ચે એરલાઈન્સને 50 ટકા ક્ષમતા સાથે ઘરેલુ ફ્લાઈટ્સ ઓપરેટ કરવા દેવાતી હતી. ત્યારબાદ પાંચ જુલાઈ અને 12 ઓગસ્ટ વચ્ચે તે ક્ષમતાને વધારીને 65 ટકા કરવામાં આવી હતી. 12 ઓગસ્ટ અને 18 સપ્ટેમ્બર વચ્ચે તે ક્ષમતા ફરી વધારીને 72 ટકા કરવામાં આવી હતી. 18 સપ્ટેમ્બરથી એરલાઈન્સને 85 ટકા પરવાનગી આપવામાં આવી હતી, જે આજે 18 ઓક્ટોબરથી સંપૂર્ણ કરી દેવામાં આવી છે. સરકારે મોટા ભાગના પ્રતિબંધ હટાવી લીધા છે, અમુક કોરોનાને લગતા નિયંત્રણો-નિયમો જ અમલમાં ચાલુ રાખ્યા છે. સરકારના આ નિર્ણયને કારણે ડોમેસ્ટિક ફ્લાઈટ્સથી સફર કરનારાઓને ઘણી રાહત અને સરળતા મળી રહેશે.
આ છે ફરજિયાત પાલન કરવા જરૂરી કોરોના-નિયમો
- જે કોઈ પ્રવાસી મોઢા પર માસ્ક પહેર્યા વગર આવશે એને એરપોર્ટની અંદર પ્રવેશ આપવામાં નહીં આવે.
- જે કોઈ પ્રવાસીના શરીરનું તાપમાન નિશ્ચિત સ્ટાન્ડર્ડ કરતાં વધારે હશે તો પણ એમને એરપોર્ટમાં પ્રવેશવા દેવામાં નહીં આવે.
- દરેક પ્રવાસી માટે 72-કલાકનો RTPCR ટેસ્ટ રિપોર્ટ સાથે રાખવો જરૂરી.
- મોબાઈલ ફોન પર આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરવી જરૂરી.
- કોરોના-વેક્સિનેશનના બંને ડોઝવાળું સર્ટિફિકેટ પણ માગવામાં આવી શકે છે.
તહેવારોની મોસમ શરૂ થઈ ચૂકી હોવાથી ઘરેલુ વિમાન પ્રવાસીઓની સંખ્યા સતત વધી રહી હોવાથી ઘરેલુ સ્તરે વિમાન પ્રવાસના નિયમો ઘટાડવાની એરલાઈન કંપનીઓ તરફથી સતત માંગણી કરવામાં આવી રહી હતી તેથી કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો છે.