લખનઉઃ શ્રી રામ મંદિરના પૂજારીઓની દિવાળી સુધરી ગઈ છે. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે અયોધ્યાના રામ મંદિરના પૂજારીઓના પગારવધારો કર્યો છે. એક વર્ષની અંદર શ્રીરામ મંદિર તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટે રૂ. 25,000થી પગાર વધારીને રૂ. 32,900 કર્યો છે. આ જ પ્રકારે પાંચ સહાયક પૂજારીઓના પગાર પણ વધારીને રૂ. 20,000થી વધારીને રૂ. 31,900 કરવામાં આવ્યો છે. આ સિવાય પૂજારીઓને આરોગ્ય વીમા, TA-DA પણ આપવામાં આવશે. આ પગારવધારા પર પૂજારીઓએ આનંદ વ્યક્ત કરતા ટ્રસ્ટનો આભાર માન્યો છે. જોકે રામ લલ્લાના પૂજારીઓને છ મહિનામાં બીજું ઇન્ક્રિમેન્ટ મળ્યું છે.
રામ લલ્લાના મુખ્ય પૂજારી આચાર્ય સત્યેન્દ્ર દાસે કહ્યું હતું કે હાલની મોંધવારી જોતાં પગારવધારાની માગ લાંબા સમયથી કરવામાં આવતી હતી. ટ્રસ્ટના અનુસાર મે મહિનાથી અહીં તહેનાત મુખ્ય પૂજારી અને સહાયક પૂજારીઓનો પગાર ઘણો ઓછો હતો. એ સમયે મુખ્ય પૂજારીને માત્ર રૂ. 15,520 જ પગાર મળતો હતો. જ્યારે સહાયક પૂજારીઓને રૂ. 8940 પગાર મળતો હતો. મે મહિનામાં ટ્રસ્ટે સ્વીકાર કર્યો હતો કે આ પગાર ઓછો છે, જેથી મુખ્ય પૂજારીને રૂ. 25,000 અને સહાયક પૂજારીઓને રૂ.20,000 આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. હવે એમાં બીજી વખત પગારવધારો કરવામાં આવ્યો છે.
અયોધ્યામાં આકાર લઈ રહેલું રામ મંદિરનું ઉદઘાટન 2024ના જાન્યુઆરી મહિનામાં થવાનું છે. દેશના વડા પ્રધાન સહિત દુનિયાભરથી 10,000 મહેમાનો આ ઐતિહાસિક મહોત્સવનો ભાગ લેવાના છે. રામ મંદિર ટ્રસ્ટના સંચાલક ચંપત રાયે ગઈ કાલે જણાવ્યું હતું કે 5 ફેબ્રુઆરી 2020થી 31 માર્ચ 2023 સુધીમાં રૂ. 900 કરોડ રૂપિયાનો ખર્ચ થયો છે અને હજુ ટ્રસ્ટ પાસે 3000 કરોડનો ફંડ બચ્યું છે.