ફડણવીસની મધ્યસ્થી સફળ રહીઃ મહારાષ્ટ્રમાં વીજકર્મીઓએ હડતાળ પડતી મૂકી

મુંબઈઃ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરેલી મધ્યસ્થીથી સંતુષ્ટ થયેલા રાજ્યની ત્રણ મોટી વીજળી સપ્લાઈ કંપનીઓના હજારો કર્મચારીઓ અને અધિકારીઓએ એમની 3-દિવસની હડતાળ આજે પહેલા જ દિવસે પડતી મૂકી દીધી છે. કર્મચારીઓએ અગાઉ એલાન કર્યું હતું કે તેઓ 4 જાન્યુઆરીની મધરાતથી 72-કલાકની હડતાળ પર જશે.

ફડણવીસ અને વીજ કામગાર સંઘટનાના પ્રતિનિધિઓ વચ્ચે આજે બપોરે સરકાર હસ્તકના સહ્યાદ્રી ગેસ્ટહાઉસ ખાતે બેઠક યોજાઈ હતી. તે બેઠકમાં હડતાળ મામલે સકારાત્મક ઉકેલ આવ્યો હતો. બેઠક બાદ વીજ કર્મચારીઓએ એમની હડતાળને પડતી મૂકી દીધી હતી. આને લીધે રાજ્યના લાખો નાગરિકોને રાહત થઈ છે. બેઠકમાં ફડણવીસ ઉપરાંત રાજ્યના ઉર્જા વિભાગના અધિકારી, મહાવિતરણ કંપની તથા અન્ય સંબંધિત વિભાગોના અધિકારીઓ, વિવિધ વીજ કર્મચારી સંગઠનોના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બેઠકમાં ફડણવીસે કહ્યું હતું કે રાજ્યમાં વીજ પૂરવઠો પૂરો પાડતી કંપનીઓનું કોઈ પ્રકારનું ખાનગીકરણ કરવાનો સરકારનો વિચાર નથી. ઊલટાનું, સરકાર આવતા ત્રણ વર્ષમાં આ વીજ કંપનીઓમાં 50 હજાર કરોડનું મૂડીરોકાણ કરવાની છે. અદાણી ગ્રુપે સમાંતર લાઈસન્સ માટે અરજી કરી હતી. મહાવિતરણનું ખાનગીકરણ કરવામાં આવશે નહીં. રાજ્ય વીજ નિયામક પંચ દ્વારા આપના હિતમાં જ નિર્ણય લેવામાં આવશે.