રાજસ્થાનનો વિકાસ કેન્દ્ર સરકારની પ્રાથમિકતાઃ PM મોદી

નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી રાજસ્થાન અને મધ્ય પ્રદેશની મુલાકાતે છે. રાજસ્થાનના ચિતોડગઢમાં સંબોધિત કરતાં વડા પ્રધાને કહ્યું હતું કે આજે ચિતોડગઢમાં રૂ. 7000 કરોડના પ્રોજેક્ટોનું ઉદઘાટન કરવામાં આવ્યું છે. ગેસ આધારિત અર્થતંત્રને મજબૂત કરવા માટે દેશમાં ગેસ પાઇપલાઇન નેટવર્ક સ્થાપિત કરવામાં આવી છે. ઉદ્યોગોનો વિસ્તાર કરવામાં આવી રહ્યો છે. એનાથી રોજગારીની તકો ઊભી થશે. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે.

તેમણે જનતાને સંબોધિત કરતાં કહ્યું હતું કે કોંગ્રેસ સરકારે રાજસ્થાનને પાંચ વર્ષમાં બરબાદ કરી નાખ્યું છે. રાજસ્થાન ગુનાઓની યાદીમાં ટોચ પર છે, જેનું મને દુઃખ છે. મહિલાઓની વિરુદ્ધ ગુનાઓના સૌથી વધુ કેસ અહીં છે. તેમણે સવાલ કર્યો હતો કે શું એટલા માટે તમે કોંગ્રેસને મત આપ્યા હતા.

તેમણે કહ્યું હતું કે રાજસ્થાન વિશ્વાસથી કહી રહ્યું છે કે ભાજપ આવશે, ગુડાગર્દી જશે અને રમખાણો અટકશે. ભાજપ આવશે અને પથ્થરબાજી અટકશે, મહિલા સુરક્ષા આવશે અને રોજગાર આવશે અને રાજસ્થાનને ભાજપ સમૃદ્ધ બનાવશે. પ્રદેશની જનતાનો સંદેશ કોંગ્રેસ નેતાઓના કાને પહોંચી ગયો છે.

તેમણે કહ્યું હતું કે રાજસ્થાનનો વિકાસ ભારત સરકાર માટે મોટી પ્રાથમિકતા છે. અમે રાજસ્થાનમાં એક્સપ્રેસ વે, હાઇવે અને રેલવે જેવા આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર બહુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. તેમણે કહ્યું હતું કે સ્વચ્છતા ઝુંબેશને જનઆંદોલન બનાવી દેવા માટે બધા દેશવાસીઓનો હું આભાર વ્યક્ત કરું છું.