મહારાષ્ટ્રમાં ભાજપની ના છતાં અજિત પવારનો ‘નવાબી’ ઠાઠ

મુંબઈઃ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં નામાંકનનો છેલ્લો દિવસ છે. NCP (અજિત પવાર) નવાબ મલિકને AB ફોર્મ આપ્યું છે. જોકે તેઓ નામાંકન દાખલ કરશે કે નહીં એ હજી નક્કી નથી. મહારાષ્ટ્રમાં ભાજપ અને NCP (અજિત પવાર) મહાયુતિ ગઠબંધનનો ભાગ છે. ભાજપે નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો. મલિકે સ્પષ્ટ કર્યું હતું કે તેઓ નામાંકન દાખલ કરશે.

ભાજપે નવાબ મલિકને ટિકિટ આપવાનો વિરોધ કર્યો હતો, પરંતુ નવાબ મલિકે પોતે ગમે તે સ્થિતિમાં ઉમેદવારી નોંધાવવાની હઠ દર્શાવી હતી. NCP (અજિત પવાર)એ પણ ઉમેદવારી પત્ર સોંપતાં સંકેત આપ્યો છે કે  તે મલિકને ઉમેદવારી નોંધાવાની તક આપી રહ્યો છે.

મહારાષ્ટ્રમાં મહાયુતિ અને મહા વિકાસ અઘાડીમાં રાજ્યની અમુક બેઠકો પર ઉમેદવારી નોંધાવા માટે વિવિધ પક્ષો ઝઘડી રહ્યા છે. SPએ પણ મહા વિકાસ અઘાડીને અલ્ટિમેટ આપતાં પાંચ બેઠકો ફાળવવાની દરખાસ્ત કરી હતી. બીજી તરફ અજિત પવાર જૂથના NCP નેતા નવાબ મલિકે સોમવારે જાહેરાત કરી હતી કે તે પોતે ઉમેદવારી નોંધાવશે અને ચૂંટણી લડશે.

નવાબ મલિક મહારાષ્ટ્રમાં પાંચ વખત ધારાસભ્ય રહી ચૂક્યા છે. તેઓ અણુશક્તિનગર બેઠકનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. આ વખતે અજિત પવારે NCPની આ બેઠક પરથી નવાબ મલિકની દીકરી સના મલિકને ટિકિટ આપી છે. જ્યારે શરદ પવાર જૂથે આ બેઠક પર અભિનેત્રી સ્વરા ભાસ્કરના પતિ ફહાદ અહમદને ઊભા રાખ્યા છે.

નવાબ મલિક મની લોન્ડરિંગ મામલે જેલમાં હતા. જેમને હાલમાં જ છ મહિનાના મેડિકલ જામીન આપવામાં આવ્યા છે. જો તેઓ ચૂંટણી લડે તો તેમને શિવાજી નગર-માનખુર્દ બેઠક પરથી ટિકિટ મળી શકે છે. જ્યાં SPના અબુ અસીમ આઝમી વિરુદ્ધ ચૂંટણી લડે એવી શક્યતા છે.