નવી દિલ્હીઃ અગ્નિપથ ભરતી યોજનાને મામલામાં કેન્દ્ર સરકારને દિલ્હી હાઇકોર્ટમાં મોટી જીત મળી છે. કોર્ટે કેન્દ્ર સરકારની અગ્નિપથ યોજના કાયદેસર ગણાવી છે. એ સાથે અગ્નિપથ યોજનાને કાયદેસરતાને પડકાર આપતી અરજીઓને ફગાવી દેવામાં આવી છે. આ મામલે ચીફ જસ્ટિસ સતીશ ચંદ્ર શર્મા અને જસ્ટિસ સુબ્રમણ્યમ પ્રસાદની ખંડપીઠે પોતાનો ચુકાદો સંભળાવ્યો હતો. આ પહેલાં હાઇકોર્ટે દિલ્હી હાઇકોર્ટે ગયા વર્ષે 15 ડિસેમ્બરે આ મામલે પોતાનો ચુકાદો સુરક્ષિત રાખ્યો હતો.
આ સુનાવણી દરમ્યાન કેન્દ્ર સરકારે અગ્નિપથ યોજનાને ટેકો આપ્યો હતો. સશસ્ત્ર દળોમાં યુવાઓની ભરતી માટે અગ્નિપથ યોજના ગયા વર્ષે 14 જૂને શરૂ કરવામાં આવી હતી. આ યોજનાના નિયમો અનુસાર સાડા 17થી 21 વર્ષની વયના લોકો અરજી કરવાને પાત્ર છે અને તેમને ચાર વર્ષના કાર્યકાળ માટે સામેલ કરવામાં આવશે. આ યોજના હેઠળ તેમનામાં 25 ટકા સેવા નિયમિત કરવામાં આવશે.
અગ્નિપથ યોજનાના પ્રારંભ પછી આ યોજનાની સામે અનેક રાજ્યોમાં વિરોધ શરૂ થઈ ગયો હતો. ત્યાર બાદ સરકારે 2022માં ભરતી માટે ઉપલી વય મર્યાદા વધારીને 23 વર્ષ કરવામાં આવી હતી. આ મામલાને લઈને દિલ્હી હાઇકોર્ટ સહિત અનેક હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. ત્યાર બાદ સુપ્રીમ કોર્ટે આ અરજીઓને દિલ્હી હાઇકોર્ટમાં ટ્રાન્સફર કરવાનો આદેશ આપ્યો હતો.