નવી દિલ્હીઃ કોરોનાવાઈરસની રસીના સંબંધમાં યોગગુરુ બાબા રામદેવે કરેલા અમુક વિવાદાસ્પદ નિવેદનો બદલ દિલ્હી હાઈકોર્ટે એમને ફટકાર લગાવી છે. વડી અદાલતે એ હકીકત અંગે પણ નારાજગી વ્યક્ત કરી છે, જેમાં રામદેવે કોવિડ-19 બૂસ્ટર ડોઝની અસરકારકતા વિશે એવી કમેન્ટ્સ કરી હતી કે રસી લીધા પછી પણ અમેરિકાના પ્રમુખ જૉ બાઈડનનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝિટીવ કેવી રીતે આવ્યો?
ન્યાયમૂર્તિ અનુપ જયરામ ભંબાનીએ કહ્યું કે લોકોનાં નામ ઉચ્ચારવામાં આવી રહ્યાં છે. આને કારણે આપણે આંતરરાષ્ટ્રીય સ્તરે પરિણામો ભોગવવા પડી શકે અને દુનિયાના દેશો સાથેના આપણા સારા સંબંધો પર અવળી અસર પડી શકે છે.
ઉલ્લેખનીય છે કે, 2020માં ભારતમાં કોરોનાવાઈરસ ચેપી બીમારીનો પ્રકોપ જ્યારે ખૂબ ઊંચે હતો એ વખતે બાબા રામદેવે કોરોનાની સારવાર માટેની એલોપેથિક મેડિકલ પદ્ધતિઓની જાહેરમાં ટીકા કરી હતી અને એવો દાવો કર્યો હતો કે એમની કોરોનીલ દવા અસરકારક છે. એ વખતે નાગરિકો માટે દેશભરમાં કોરોના સામે રક્ષણ માટે તબીબી ઉપચારોનો વ્યાપક રીતે ઉપયોગ કરાતો હતો. રામદેવ વિરુદ્ધ ડોક્ટરોના અનેક સંગઠનોએ કાનૂની દાવો માંડ્યો હતો. એમણે કહ્યું કે કોરોનીલ કોરોનાવાઈરસને મટાડતી નથી અને રામદેવનો દાવો ગેરમાર્ગે દોરનારો છે.
