નવી દિલ્હીઃ દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને અને ટ્વીટ કરીને વિનંતી કરી છે કે કોરોનાવાઈરસ રોગચાળા સામેના જંગમાં આગળ પડતા રહેલા અને લોકોની સેવા બજાવનાર તમામ ભારતીય ચિકિત્સકો (ડોક્ટર, નર્સ તથા આરોગ્યકર્મીઓ)ને દેશનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ‘ભારત રત્ન’ આ વર્ષે આપવામાં આવે. કેજરીવાલનું એમ પણ કહેવું છે કે, ‘ભારત રત્ન’ એવોર્ડ આપવો એ તમામ ડોક્ટરોને સાચી શ્રદ્ધાંજલિ અર્પણ કરી કહેવાશે, જેમણે પોતાનો જીવ ગુમાવ્યો છે. ‘ભારતીય ચિકિત્સક’નો અર્થ તમામ ચિકિત્સક (ડોક્ટર), નર્સ અને પેરામેડિક્સ છે. પોતાના જીવ અને પરિવારની ચિંતા કર્યા વગર સેવા બજાવનારાઓનું આ સમ્માન ગણાશે. આખો દેશ આનાથી ખુશ થશે.
ઈન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા ગયા જૂનના મધ્યમાં જણાવાયા મુજબ, દેશમાં કોરોનાની બીજી લહેરમાં 730 ડોક્ટરોના જાન ગયા હતા.