રસી-સપ્લાયની ખાતરીઃ મોદીએ કમલા હેરિસનો આભાર માન્યો

નવી દિલ્હીઃ અમેરિકાનાં ઉપપ્રમુખ કમલા હેરિસે ગઈ કાલે વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન પર વાતચીત કરી હતી અને વૈશ્વિક કોરોના-પ્રતિરોધક રસીની વહેંચણી અંગે અમેરિકાએ અપનાવેલી વ્યૂહરચનાના ભાગ રૂપે ભારતને રસીના ડોઝનો પુરવઠો પૂરો પાડવાની ખાતરી આપી હતી. આ ખાતરી બદલ મોદીએ હેરિસનો આભાર માન્યો છે.

અમેરિકાનાં વહીવટીતંત્રએ જાહેરાત કરી છે કે વિદેશોને કોવિડ-19 રસીના અઢી કરોડ ડોઝ દાનમાં આપશે. આમાંના મોટા ભાગના ડોઝ વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા હાથ ધરવામાં આવેલી Covax પહેલને ફાળવવામાં આવશે. અમેરિકાએ કહ્યું છે કે તે ભારત, કેનેડા, મેક્સિકો સહિત એવા દેશોને 60 લાખ ડોઝ દાનમાં આપશે જ્યાં કોરોનાવાઈરસ રોગચાળાના કેસ ખૂબ વધી ગયા છે. મોદી અને હેરિસે ફોન પરની વાતચીત દરમિયાન ભારત-અમેરિકા વચ્ચેના રસી-સહકારને વધારે મજબૂત બનાવવા તેમજ કોવિડના અંત બાદ વૈશ્વિક આરોગ્ય તથા આર્થિક રીકવરીના પ્રયાસોમાં યોગદાન આપવામાં બંને દેશની ભાગીદારીને પણ મજબૂત બનાવવા વિશે ચર્ચા કરી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]