‘યાસ’ વાવાઝોડાનો ખતરોઃ 99 NDRF ટૂકડીઓ સજ્જ

કોલકાતાઃ વાવાઝોડું ‘યાસ’ ફૂંકાવાની કરવામાં આવેલી આગાહીને પગલે નેશનલ ડિઝાસ્ટર રીસ્પોન્સ ફોર્સ (એનડીઆરએફ) દ્વારા બચાવ અને રાહત કામગીરીઓ હાથ ધરવા માટે તેના જવાનોની 99 ટૂકડીઓને આ વાવાઝોડાનો જ્યાં ખતરો છે તે રાજ્યોમાં મોકલવામાં આવી છે – ઓડિશા, પશ્ચિમ બંગાળ, આંધ્ર પ્રદેશ, તામિલનાડુ અને આંદામાન અને નિકાબાર ટાપુઓ. એકલા ઓડિશામાં જ એનડીઆરએફની 18 ટૂકડીઓને મોકલવામાં આવી છે. એમાંની સાત ટૂકડીને બાલાસોર, ચાર ટૂકડીને ભાદ્રક, ત્રણને કેન્દ્રાપારા, બેને જાજુર તથા એક-એક ટૂકડીને જગતસિંહપુર અને મયૂરભંજ જિલ્લામાં મોકલવામાં આવી છે. ચાર ટૂકડીને સ્ટેન્ડબાઈ રાખવામાં આવી છે. ઓડિશામાં ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 66 ટૂકડીઓ અને અગ્નિશામક દળના જવાનોની 177 ટૂકડીઓને પણ સંભવિત વાવાઝોડાગ્રસ્ત વિસ્તારોમાં સજ્જ કરી દેવામાં આવી છે. સશસ્ત્ર દળોએ પણ પોતાની રીતે તૈયારીઓ કરી છે અને 950 એનડીઆરએફ જવાનોને વિમાનો દ્વારા એરલિફ્ટ કર્યા છે અને 26 હેલિકોપ્ટરોને પણ સ્ટેન્ડબાઈ રાખ્યા છે જેથી તાત્કાલિક રીતે જરૂર પડે તો મોકલી શકાય.

યાસ વાવાઝોડું 26 મેએ પારાદીપ અને સાગર ટાપુ વચ્ચેથી પસાર થાય એવી સંભાવના છે. એ વખતે પવનની ગતિ પ્રતિ કલાક 150-160 કિ.મી.ની રહેવાની સંભાવના છે. વાવાઝોડું જગતસિંહપુર, કેન્દ્રાપારા, બાલાસોર, ભદ્રક જિલ્લાઓમાં લેન્ડફોલ કરે ત્યારે પવનની ગતિ કલાકના 180 કિ.મી. સુધી વધવાની પણ સંભાવના છે. વાવાઝોડું અત્યંત વિનાશકારી ચક્રવાતમાં પરિવર્તિત થવાની સંભાવના છે અને તે 26 મેની સાંજે પશ્ચિમ બંગાળ તથા ઓડિશાના ઉત્તર સમુદ્રકાંઠા પરથી પસાર થશે.