વાવાઝોડું ‘તાઉ’તે’ કેરળમાં ત્રાટક્યું, બે વ્યક્તિનાં મરણ

તિરુવનંતપુરમમઃ અરબી સમુદ્ર પર સર્જાયેલું ભયાનક વાવાઝોડું ‘તાઉ’તે’ કેરળ રાજ્યમાં ત્રાટક્યું છે. એર્નાકુલમ અને કોઝીકોડ જિલ્લાઓમાં તેણે એક-એક વ્યક્તિનો ભોગ લીધો છે. અસંખ્ય લોકોને 71 રાહત શિબિરોમાં ખસેડી લેવામાં આવ્યા છે. રાજ્યમાં ઠેરઠેર ભારે વરસાદ પડી રહ્યો છે. કેરળના પાંચ જિલ્લા માટે હવામાન વિભાગે ‘રેડ એલર્ટ’ ચેતવણી ઈસ્યૂ કરી છે. આ જિલ્લા છે – મલપ્પુરમ, કોઝીકોડ, વાયનાડ, કન્નૂર અને કાસરગોડ.

ભારતના પશ્ચિમી કાંઠાના વિસ્તારો માટે જોખમ ઊભું કરનાર ચક્રવાત ‘તાઉ’તે’એ આજે વહેલી સવારે અત્યંત ગંભીર વાવાઝોડાનું સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને આગામી 12 કલાકમાં તે વધારે ઉગ્ર બને એવી સંભાવના છે. હાલ આ વાવાઝોડું ગોવાના પાટનગર પણજીથી આશરે 150 કિ.મી. નૈઋત્ય ખૂણે કેન્દ્રિત થયેલું છે. તે મુંબઈથી 490 કિ.મી. દક્ષિણે અને ગુજરાતના વેરાવળથી 730 કિ.મી. નૈઋત્ય ખૂણે સ્થિર થયેલું છે. મુંબઈમાં આજે બપોરે ભારે વરસાદ પડવાની આગાહી છે તો ગુજરાતમાં 18 મેએ વાવાઝોડું ત્રાટકે એવી સંભાવના વ્યક્ત કરાઈ છે.  ભારતીય હવામાન વિભાગે પશ્ચિમી મહારાષ્ટ્રના કોંકણ તથા ઘાટ વિસ્તારોમાં આજે અને આવતીકાલ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે જેનો મતલબ થાય છે કે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ પડી શકે છે.

વાવાઝોડાને ધ્યાનમાં લઈને પશ્ચિમ રેલવેએ મુલ્કી ઉડ્ડયન મંત્રાલયે અનેક ફ્લાઈટ્સ અને પશ્ચિમ રેલવેએ અનેક ટ્રેનોને રદ કરી છે. બચાવ કામગીરી હાથ ધરવા માટે ભારતીય નૌકાદળ, ભારતીય હવાઈ દળ, NDRF, SDRF જેવી કેન્દ્રીય બચાવકાર્ય સંસ્થાઓએ જવાનોની ટૂકડીઓને તહેનાત કરી છે. નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી તરફથી વાવાઝોડાને ધ્યાનમાં લઈને નાગરિકો માટે કેટલીક ચેતવણીઓ અને સલાહ-સૂચનો રિલીઝ કરવામાં આવ્યા છે, જે નીચે દર્શાવેલા ટ્વીટમાં વાંચી શકાય છે.