વારાણસીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ નવી વિધાનસભા ચૂંટણી માટે સજ્જ થઈ રહેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાંના વિરોધપક્ષની ઝાટકણી કાઢતાં આજે કહ્યું હતું કે રાજ્યમાં ગાયોનું પાલન કરવામાં ભાજપની સરકાર ગર્વની લાગણીનો અનુભવ કરે છે, જ્યારે બીજાંઓ એને એક પાપ સમજે છે. કેટલાક લોકો ગાયની મજાક બનાવે છે, પરંતુ ગાય અમારે માટે માતા સમાન છે, પૂજનીય છે. ગાય-ભેંસની મજાક ઉડાવનારાઓ એ ભૂલી જાય છે કે દેશના આઠ કરોડ પરિવારોની રોજીરોટી આવા જ પશુધનથી ચાલે છે. વડા પ્રધાન મોદીએ એમના સંસદીય મતવિસ્તાર વારાણસીમાં રૂ. 870 કરોડની કિંમતની 22 વિકાસલક્ષી યોજનાઓનો શુભારંભ કરાવ્યા બાદ જનસભાને સંબોધિત કરતાં આમ જણાવ્યું હતું.
વડા પ્રધાન મોદીએ કારખિયાઓંમાં ઉત્તર પ્રદેશ ઔદ્યોગિક વિકાસ મંડળ ફૂડ પાર્કમાં બનાસ ડેરી સંકુલના શિલાન્યાસ પ્રસંગે કહ્યું હતું કે ડેરી ઉદ્યોગ સરકારનું સર્વોચ્ચ લક્ષ છે. ભારતમાં છેલ્લા છથી સાત વર્ષમાં દૂધનું ઉત્પાદન આશરે 45 ટકા જેટલું વધ્યું છે. દુનિયામાં દૂધનું જેટલું ઉત્પાદન થાય છે એનું આશરે 22 ટકા ઉત્પાદન ભારત કરે છે. મને એ વાતની ખુશી છે કે ઉત્તર પ્રદેશ દેશમાં સૌથી વધારે દૂધ ઉત્પાદન કરનાર રાજ્ય છે એટલું જ નહીં, પરંતુ તે ડેરી સેક્ટરના વિસ્તરણમાં પણ મોખરે છે.