નવી દિલ્હીઃ કેરળ અને મહારાષ્ટ્રમાં કોરોનાવાઈરસ મહામારીના કેસની સંખ્યામાં વધારો ઝડપી બન્યો છે. આ બંને રાજ્યમાં છેલ્લા અમુક દિવસોથી કોરોનાના દરરોજ 1000 જેટલા નવા કેસ નોંધાય છે. દરમિયાન, તામિલનાડુમાં ઓમિક્રોન વેરિઅન્ટના પેટા-વેરિઅન્ટ BA.4 અને BA.5ના 12 કેસ નોંધાયા છે. આ પરિસ્થિતિને કારણે રાજ્યો તથા કેન્દ્ર સરકારોમાં ચિંતા ફેલાઈ છે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશભરમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 4,270 કેસ નોંધાયા છે. આમાં, સૌથી વધારે કેસ કેરળ અને મહારાષ્ટ્રમાં નોંધાયા છે. કેરળમાં 1,544 અને મહારાષ્ટ્રમાં 1,357. મહારાષ્ટ્રમાં, રાજ્યના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસને કોરોનાનો ચેપ ફરી લાગુ પડ્યો છે. મહારાષ્ટ્રમાં કોરોનાના કેસ વધી રહ્યા છે અને મુંબઈ સૌથી વધારે સંક્રમિત છે. મુંબઈ મહાનગરપાલિકાએ લોકોનું કોરોના ટેસ્ટિંગને ઝડપી બનાવ્યું છે તતા હોસ્પિટલના સ્ટાફને એલર્ટ રહેવાની સૂચના આપી છે. તદુપરાંત, મહાપાલિકાએ સત્તાવાળાઓને રસીકરણ પ્રક્રિયાને પણ ઝડપી બનાવવા કહ્યું છે અને નાગરિકોને બૂસ્ટર ડોઝ લઈ લેવાની અપીલ કરી છે,