ભાજપનાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્માની પક્ષમાંથી હકાલપટ્ટી

નવી દિલ્હીઃ મહંમદ પયગંબર અંગે વિવાદાસ્પદ ટિપ્પણી કરવા બદલ ભારતીય જનતા પાર્ટીએ તેનાં રાષ્ટ્રીય પ્રવક્તા નુપૂર શર્મા તથા મીડિયા વિભાગના વડા નવીન જિંદલને તાત્કાલિક અસરથી અમલમાં આવે એ રીતે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી છ વર્ષ માટે હાંકી કાઢ્યાં છે. તાજેતરમાં, એક ટીવી ચેનલ પર સમાચારો અંગેની ડીબેટ વખત નુપૂર શર્માએ પયગંબર અંગે જે ટિપ્પણી કરી હતી એને કારણે ઉત્તર પ્રદેશના કાનપુરમાં ગઈ 3 જૂને કોમી હિંસા ફાટી નીકળી હતી. હિંસાના તે બનાવ બાદ મહારાષ્ટ્રમાં નુપૂર શર્મા સામે અનેક પોલીસ એફઆઈઆર નોંધવામાં આવી છે.

ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદનમાં કહ્યું છે કે પક્ષ કોઈ પણ ધર્મ કે ધાર્મિક હસ્તીના અપમાનને સખત રીતે વખોડી કાઢે છે. પક્ષ એવી વ્યક્તિઓ કે ફિલોસોફીને પ્રોત્સાહન આપતો નથી.

નુપૂર શર્માનું નિવેદન

નુપૂર શર્માએ આ મામલે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે, ‘ટીવી ડીબેટમાં હિન્દુઓનાં ભગવાન મહાદેવ સતત અપમાન કરવામાં આવતું હતું અને મજાક ઉડાડવામાં આવતી હતી. એવી મજાક કરાઈ હતી કે એક કોઈ શિવલિંગ નહોતું, પણ ફૂવારો હતો. શિવલિંગની તુલના દિલ્હીના રસ્તા પરની એક સાઈન અને થાંભલા સાથે સરખાવીને એની મજાક ઉડાડવામાં આવી હતી. હું આપણા મહાદેવની સતત કરાતી મજાકને સહન કરી શકી નહીં અને એના વળતા જવાબમાં કંઈક જણાવી દીધું. જો મારાં શબ્દોથી કોઈને નારાજગી થઈ હોય કે કોઈની ધાર્મિક લાગણીને ઠેસ પહોંચી હોય તો હું બિનશરતી રીતે મારું નિવેદન પાછું ખેંચી લઉં છું. કોઈની ધાર્મિક લાગણીને દુભાવવાનો મારો કોઈ જ ઈરાદો નહોતો.’