12-14 વયજૂથનાં બાળકોનું કોરોના-રસીકરણ 16 માર્ચથી શરૂ

નવી દિલ્હીઃ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માંડવિયાએ જાહેરાત કરી છે કે દેશમાં કોરોનાવાઈરસ-પ્રતિરોધક રસીકરણ ઝુંબેશ અંતર્ગત 12-14 વર્ષના વયજૂથમાં આવતાં બાળકોને આવતી 16 માર્ચથી રસી આપવાનું શરૂ કરવામાં આવશે. એ જ તારીખથી 60 વર્ષથી ઉપરની વયનાં તમામ લોકોને બૂસ્ટર ડોઝ આપવાની પણ શરૂઆત કરાશે. બૂસ્ટરને પ્રીકોશન ડોઝ અથવા સાવચેતી ડોઝ પણ કહે છે.

માંડવિયાએ હિન્દીમાં ટ્વીટ કરીને કહ્યું છે કે, જો બાળકો સુરક્ષિત રહેશે તો આપણો દેશ પણ સુરક્ષિત રહેશે. એમણે 12-14ના વયજૂથમાં આવતાં બાળકોનાં માતાપિતાને તથા 60 વર્ષથી વધુની વયનાં વરિષ્ઠ નાગરિકોને રસી લઈ લેવાની અપીલ કરી છે. આ પહેલાં, 60 વર્ષથી વધુની વયનાં એ નાગરિકોને જ બૂસ્ટર ડોઝ આપવાની પરવાનગી અપાઈ હતી જેમને ગંભીર બીમારી લાગુ પડી હોય. 12-14 વર્ષનાં બાળકોને હૈદરાબાદની બાયોલોજિકલ ઈવાન્સ કંપની નિર્મિત કોર્બેવેક્સ રસી આપવામાં આવશે.