કોરોનાઃ લગ્નની મોસમ પૂર્વે નિષ્ણાતોની ત્રીજી-લહેરની ચેતવણી

મુંબઈઃ દેશભરમાં કોરોનાવાઈરસ મહામારીના કેસ છેલ્લા અમુક મહિનાઓથી સતત ઘટી રહ્યા છે. રોગચાળાની બીજી લહેર આખરે ઓસરી ગઈ છે. લોકો હવે એમનાં સામાન્ય જીવનમાં પાછાં ફર્યાં છે. ઘણાંએ કોરોના-પૂર્વેની જેમ એમની જિંદગી જીવવાનું ફરી શરૂ કરી દીધું છે.

જોકે કેટલાક નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ઘણા રાજ્યોમાં કોરોનાનાં નવા કેસમાં સહેજ વધારો નોંધાયો છે. દેશમાં લગ્નની મોસમ આવી રહી છે. જો લોકો કોવિડ-19 પ્રતિબંધક ઉચિત તકેદારી નહીં લે અને નિયમોનું પાલન નહીં કરે તો ત્રીજી લહેર આવી શકે છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસમાં કોવિડ ટાસ્ક ફોર્સનાં ચેરપર્સન ડો. નવીત વિગ, ઉજાલા સિગ્નસ ગ્રુપ ઓફ હોસ્પિટલ્સના ડાયરેક્ટર ડો. સુચિન બજાજ, આકાશ હેલ્થકેર સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલનાં ઈન્ટરનલ મેડિસીન વિભાગનાં ડો. પરિણિતા કૌર જેવા નિષ્ણાતોએ લોકોને ત્રીજી લહેરથી બચવાની ચેતવણી આપી છે.