સંસદનું સત્ર રોકવાની વાતે સાંસદોને શું કહયું મોદીએ?

નવી દિલ્હી:  કોરોના વાઈરસના ભયના કારણે સંસદની મુલતવી રાખવાની માંગણી કરતા સાંસદોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આડે હાથ લીધા. પીએમએ કહ્યું સાંસદોએ તેમની જવાબદારીઓથી ભાગવાને બદલે લોકોની મદદ કરવી જોઈએ. ઘણા લોકો ભયંકર જોખમ હોવા છતાં પણ તેમની ફરજ નિભાવી રહ્યા છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાર્ટીના સાંસદોને સંબોધિત કરતા કહ્યું કે, કોરોના વાયરસ વિશે જાગરૂકતા ફેલાવો. તેમણે સ્પષ્ટ કર્યું કે, સંસદના બજેટ સત્રને ટૂંકાવવામાં આવશે નહીં કારણ કે દેશ જ્યારે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરી રહ્યો હોય તો સાંસદોએ પોતાનું કામ કરતા રહેવું જોઈએ. ‘હું જે સાંભળી રહ્યો છું તે યોગ્ય નથી. સાંસદોએ આ રોગચાળો સામે લડવા ખડે પગે ઉભા રહેવું જોઈએ. આપણે ભારતીય વાયુ સેના અને એર ઇન્ડિયાના ક્રૂ સભ્યો વિશે વિચારવું જોઈએ, જે કોરોના અસરગ્રસ્ત દેશોમાંથી ભારતીય નાગરિકોને બહાર કાઢી રહ્યા છે. આપણે અસરગ્રસ્ત દર્દીઓની સારવાર કરતા ડોક્ટરો અને નર્સો વિશે પણ વિચારવું જોઇએ. ગ્રાઉન્ડ સ્ટાફ વિશે વિચારો જે લોકોનો સામાન ફેરવી રહ્યા છે, જો તેઓ આ સમયે બ્રેક લેવાનું નક્કી કરે તો કેવી સ્થિતિ ઉભી થાય એની કોઈએ કલ્પના પણ નહીં કરી હોય. પીએમ મોદીએ આ બેઠકમાં કોરોના મામલે મીડિયાની ભૂમિકાના પણ વખાણ કર્યા.

મહત્વનું છે કે, સંસદનું બજેટ સત્ર 3 એપ્રિલ સુધી ચાલશે. સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે, પીએમ મોદીએ તમામ સાંસદોને હાથ જોડીને નમસ્તે કર્યું અને તેમને તેમના લોકસભા ક્ષેત્રમાં જઈને કોરોના વાઈરસ અંગે લોકોને જાગરૂક કરવા અપીલ કરી.