કોરોના સંકટઃ દિલ્હીમાં 31 માર્ચ સુધી વીકલી માર્કેટબંધ

નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોના વાયરસના સંકટને જોતા દિલ્હી સરકારે સાપ્તાહિક બજારને 31 માર્ચ સુધી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સિવાય દિલ્હીમાં તમામ જિમ, નાઈટ ક્લબ, અને સ્પા સેન્ટરને પણ 31 માર્ચ સુધી બંધ કરી દેવામાં આવ્યા છે. જ્યારે 50 થી વધારે લોકોને એક સ્થાન પર ભેગા થવા પર રોક લગાવી દેવામાં આવી છે. ભલે પછી તે લગ્ન સમારોહ જ કેમ ન હોય.

અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક બાદ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે લોકોને અપીલ કરતા કહ્યું કે, જો કોઈ કાર્યક્રમ જરુરી ન હોય તો તેને બંધ રાખો. લોકો ભીડમાં ન જાય અને ન તો ભીડને એકત્રિત થવા દે. તેમણે કહ્યું કે, કોરોનાને લઈને લોકો અફવા અને ડર ન ફેલાવે પરંતુ જાગૃત થાય. સરકાર કોરોના સામે લડવા માટે જરુરી તમામ પગલા ભરી રહી છે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે દિલ્હીમાં 7 કેસો આવ્યા છે અને 4 હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. એક વ્યક્તિનું મોત થયું છે અને અન્ય લોકો સાજા થઈને પોતાના ઘરે ચાલ્યા ગયા છે.

અરવિંદ કેજરીવાલે કહ્યું કે, દિલ્હીમાં અલગ અલગ જગ્યાએ હાથ ધોવા માટે મોબાઈલ સેવા શરુ કરવામાં આવશે. સોસાયટી તેમજ ગલી-મહોલ્લાઓની બહાર સેનેટાઈઝર ઉપ્લબ્ધ કરાવવામાં આવશે. 50 થી વધારે લોકો જેમાં જોડાવાના હોય તેવા કાર્યક્રમને મંજૂરી આપવામાં નહી આવે. કેજરીવાલે લોકોને અપીલ કરી કે, જો શક્ય હોય તો લગ્ન પ્રસંગો અત્યારે ટાળો. પરંતુ આના પર રોક લગાવવામાં આવી નથી. કેજરીવાલે કહ્યું કે, મોલ પર અત્યારે રોક લગાવવામાં આવી નથી. પરંતુ જો જરુર પડશે તો એક-બે દિવસમાં આ મામલે વિચાર કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, દિલ્હીમાં કોરોના વાયરસથી બચવા માટે દિલ્હી સરકાર શક્ય તમામ પગલા ભરી રહી છે. આ જ ક્રમ અંતર્ગત મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે તમામ જિલ્લાના અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા સમીક્ષા બેઠક કરી હતી. બેઠકમાં ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયા, સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન, મુખ્ય સચિવ અને સ્વાસ્થ્ય સચિવ પણ બેઠકમાં જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા દિલ્હી સરકારે 31 માર્ચ સુધી તમામ શાળા-કોલેજો અને થીયેટર્સને બંધ રાખવાનો આદેશ આપ્યો છે.