નિર્ભયા કેસઃ ફાંસીથી બચવા આંતરરાષ્ટ્રીય કોર્ટના દરવાજે દોષિતો

નવી દિલ્હીઃ નિર્ભયાના દોષિતો ફાંસીથી બચવા માટે સતત નીતનવા ગતકડા કરી રહ્યા છે. ગમે તેમ કરીને તે લોકો ફાંસીથી બચવા માંગે છે ત્યારે હવે નિર્ભયા બળાત્કાર અને હત્યાના મામલામાં ચારમાંથી ત્રણ દોષિતોએ પોતાની ફાંસી ટાળવા માટે આંતરરાષ્ટ્રીય કોર્ટનો દરવાજો ખખડાવ્યો છે. અક્ષય, પવન અને વિનયે આંતરરાષ્ટ્રીય કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચારેય દોષિતોએ આઈસીજેને પત્ર લખીને ફાંસી ટાળવાની અપીલ કરી છે. ચારેય દોષીતોના વકીલ એપી સિંહે કહ્યું કે, ફાંસીની સજા વિરુદ્ધ વિશ્વભરના વિભિન્ન સંગઠનોએ આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે.

એપી સિંહે જણાવ્યું કે, આ કેસમાં વિશ્વભરના લોકો રસ લઈ રહ્યાં છે. વિદેશોમાં વસેલા લોકોને ભારતીય ન્યાય વ્યવસ્થા પર વિશ્વાસ નથી. તેથી તેણે આઈસીજેનો દરવાજો ખખડાવ્યો છે. તેમણે કહ્યું કે, ચારેય દોષીતો અને તેના પરિવારજનોને ભારતીય ન્યાય વ્યવસ્થા અને રાષ્ટ્રપતિ પર વિશ્વાસ છે. ચારેય દોષીતોના પરિવારજનો  ઈચ્છે છે કે રાષ્ટ્રપતિ તેમને ઇચ્છામૃત્યુની મંજૂરી આપે.

આઈસીજેમાં માત્ર બે દેશોના વિવાદનો કેસ સાંભળવામાં આવે છે. જાણકારો માને છે કે નિર્ભયાના દોષીતોને કેસ વ્યક્તિગત છે, તેથી આશા ઓછી છે કે આઈસીજે તેના પર સુનાવણી માટે વિચાર કરે.

આ પહેલા સોમવારે સુપ્રીમ કોર્ટે દોષી મુકેશ સિંહની તે અરજીને નકારી દીધી હતી, જેમાં તેણે પોતાના તમામ કાયદાકીય ઉપાયોને તે કહેતાં ફરી આપવાની વિનંતી કરી હતી કે તેના જૂના વકિલે તેને ગેરમાર્ગે દોર્યો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે, તમામ કાયદાકીય ઉપાયો ફરી આપવાની વિનંતી કરતા નિર્ભયા મામલાના દોષી મુકેશ સિંહની અરજી વિચારણીય નથી.