મધ્ય પ્રદેશનું મહાભારતઃ ભાજપની ફ્લોર ટેસ્ટ કરાવવા જીદ

 ભોપાલઃ મધ્ય પ્રદેશમાં રાજકીય ભૂકંપના આફ્ટરશોક્સ આવ્યા જ કરે છે. વિધાનસભા અધ્યક્ષે મધ્ય પ્રદેશનું સત્ર કોરોના વાઇરસને લીધે 26 માર્ચ સુધી સ્થગિત કર્યું હતું, જેથી મુખ્ય પ્રધાન કમલનાથે રાહતના શ્વાસ લીધા હતા. જોકે ભાજપ ફ્લોર ટેસ્ટ નહીં થવાને કારણે સુપ્રીમ કોર્ટમાં ગયો હતો અને 48 કલાકની અંદર સુનાવણીની માગ કરી હતી. બીજી બાજુ રાજ્યપાલે મુખ્ય પ્રધાન કમલનાથને આવતી કાલે બહુમત સિદ્ધ કરવા નિર્દેશ આપ્યા છે. આ પહેલાં  ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન શિવરાજ સિંહે તેમના વિધાનસભ્યોની યાદી સોંપતાં રાજ્યપાલ પાસે ભાજપના વિધાનસભ્યોની પરેડ કરાવી હતી.

મધ્ય પ્રદેશનો તાજો ઘટનાક્રમ

મધ્ય પ્રદેશના રાજ્યપાલ લાલજી ટંડને મુખ્ય પ્રધાનને પત્ર લખીને 17 માર્ચે કોઈ પણ ભોગે ફ્લોર ટેસ્ટ કરવાના નિર્દેશ આપ્યા હતા. તેમણે એમ પણ કહ્યું હતું કે જો 17 માર્ચે વોટિંગ નહીં કરાવવામાં આવે તો કમલનાથ સરકાર પાસે બહુમત નથી એમ માનવામાં આવશે.

આ પહેલાં…

  • રાજ્યપાલ લાલજી ટંડનની સામે ભાજપના વિધાનસભ્યોની પરેડ કરાવવામાં આવી.
  • શિવરાજ સિંહ ચૌહાણે રાજ્યપાલ સમક્ષ 106 ભાજપના વિધાનસભ્યોનું લિસ્ટ સોંપ્યું
  • શિવરાજ સિંહ ચૌહાણ ભાજપના વિધાનસભ્યોને લઈને રાજભવન પહોંચ્યા
  • મુખ્ય પ્રધાન કમલનાથ સહિત અન્ય વિધાનસભ્યો વિદાનસભામાં એકત્ર થયા. તેમને વિધાન ભવનમાં માસ્ક અને સેનિટાઇઝર આપવામાં આવ્યાં
  • મુખ્ય પ્રધાન કમલનાથે પત્ર લખીને કહ્યું કે ફ્લોર ટેસ્ટ અટકાવવાની માગ કરી અને એને ફ્લોર ટેસ્ટ કરાવવો એ ગેરબંધારણીય હશે.
  • ત્યાર બાદ વિધાનસભા સ્પીકરે કોરોના વાઇરસને કારણે વિધાનસભા સત્ર 26 માર્ચ સુધી મુલતવી રાખ્યું
  • મુખ્ય પ્રધાને વિધાનસભામાંથી જતાં વિજયી સાઇન દર્શાવી.