નવી દિલ્હીઃ કોરોના વાયરસના ચેપના નવા કેસો ઘણા રાજ્યોમાં સામે આવ્યા બાદ દેશમાં કોરોનાના કેસોની કુલ સંખ્યા 114 પર પહોંચી ગઈ છે. આને ધ્યાને રાખતા ઓડિશા સહિત ઘણા રાજ્યોએ નવી રીતે પ્રતિબંધો લગાવ્યા છે અને 18 માર્ચથી યૂરોપીય સંઘ અને બ્રિટનથી આવનારા યાત્રીઓનો પ્રવેશ અટકાવી દીધો છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, જમ્મૂ-કાશ્મીર, લદ્દાખ અને કેરળમાં કોરોના વાયરસના ચેપના નવા મામલાઓ સામે આવ્યા છે.
મહારાષ્ટ્ર સરકારના અધિકારીએ જણાવ્યું કે ચાર વધારે દર્દીઓને કોરોના વાયરસથી સંક્રમિત થયા હોવાની પુષ્ટી થઈ છે અને આની સાથે જ રાજ્યમાં કુલ દર્દીઓની સંખ્યા 37 પર પહોંચી ગઈ છે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે દેશના 15 રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોના વાયરસના કેસ સામે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન અનુસાર કોરોના વાયરસથી 135 દેશોના 1,53,517 લોકો પીડિત છે અને 6000 થી વધારે લોકોના મોત થયા છે.
- મંત્રાલય અનુસાર, ચાર નવા મામલાની સાથે ઓડિશામાં એક, લદ્દાખમાં ચાર અને જમ્મૂ-કાશ્મીરમાં ત્રણ લોકોની પુષ્ટી થઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે, કોરોના વાયરસના દર્દીઓની વધતી સંખ્યાને ધ્યાને રાખતા સરકારે મંત્રીઓની એક બેઠક બાદ સામાજિક અંતર જેવા ઉપાયોને 31 માર્ચ સુધી લાગુ કરવાનો પ્રસ્તાવ આપ્યો છે.
- કેરળના અધિકારીઓએ રાજ્યમાં 24 મામલાઓ હોવાની જાણકારી આપી છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે મહારાષ્ટ્રમાં તાજેતરમાં આવેલા નવા કેસોને આંકડામાં જોડ્યા નથી. એક બ્રિટિશ સહિત બે લોકોને કેરળમાં કોરોના વાયરસ પોઝિટિવ આવ્યો છે.
- કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયમાં સંયુક્ત સચિવ લવ અગ્રવાલે કહ્યું કે, યૂરોપીય સંઘ, યૂરોપીય મુક્ત વ્યાપાર પરિસંઘ, તુર્કી અને બ્રિટનથી આવનારા યાત્રીઓના ભારતમાં આવવા પર રોક 18 માર્ચથી લાગુ થશે.
- ઉલ્લેખનીય છે કે 11 માર્ચના રોજ ભારતે કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે રાજનૈતિક અને રોજગાર શ્રેણીને છોડીને તમામ પ્રકારના વિધા રદ્દ કર્યા હતા. અગ્રવાલે જણાવ્યું કે, મંત્રી સમૂહની સાતમી બેઠક થઈ અને કોરોના વાયરસના ચેપને રોકવા માટે જરુરી પગલા તરીકે સામાજિક અંતરના ઉપાયો લાગુ કરવા માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી.
- કેન્દ્રીય સંસ્કૃતિ મંત્રી પ્રહલાદ પટેલે કહ્યું કે, ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ અંતર્ગત સંરક્ષિત સ્મારક અને આખા દેશમાં કેન્દ્રીય સંગ્રહાલય 31 માર્ચ સુધી બંધ રહેશે. અગ્રવાલે કહ્યું કે, વિદ્યાર્થીઓને ઘરમાં જ રહેવું જોઈએ અને ઓનલાઈન શિક્ષણને પ્રોત્સાહિત કરવું જોઈએ. તેમણે કહ્યું કે, બીન જરુરી યાત્રાઓથી દૂર રહેવું જોઈએ. બસ, રેલવે, અને વિમાન જેવા પબ્લિક ટ્રાન્સપોર્ટથી દૂર રહેવું જોઈએ. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, કોરોના વાયરસ સામે લડવા માટે, ડોક્ટરો, નર્સો અને સ્વાસ્થ્ય કર્મચારીઓની મોટી મહેનત અને યોગદાનના વખાણ કર્યા. તેમણે કહ્યું કે, કોરોના વાયરસને ફેલાતો રોકવા માટે એકજુટ થઈને પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે અને લોકો સ્વસ્થ રહે, એ સુનિશ્ચિત કરવા માટે કોઈ કસર નહી છોડવામાં આવે.
- મહારાષ્ટ્રમાં સૌથી વધારે કોરોના વાયરસના દર્દીઓ મળી આવ્યા છે. રાજ્ય પ્રશાસને કેટલાક પ્રમુખ ધાર્મિક અને પર્યટક સ્થળોને અત્યારે બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે ઓરંગાબાદ સ્થિત વિશ્વ પ્રતિદ્ધ અજંતા અને ઈલોરાની ગુફાઓ, મુંબઈ પ્રસિધ્ધ સિદ્ધિવિનાયક મંદીર અને ઉસ્માનાબાદ જિલ્લામાં સ્થિત તુળજા ભવાની મંદીર બંધ રહેશે.
- મહારાષ્ટ્રના જન સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જણાવ્યું કે, દક્ષિણ મુંબઈ સ્થિત રાજ્યના સચિવાલય મંત્રાલયમાં પણ લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે કે જ્યાં રોજ હજારો લોકો આવે છે.
- ઓડિશાના મામલાની જાણકારી આપતા ભુવનેશ્વરમાં અધિકારીએ જણાવ્યું કે, એક વ્યક્તિ કે જેને કોરોના પોઝિટિવ આવ્યો છે તે સંશોધક છે અને તાજેતરમાં જ ઈટલીથી આવ્યો હતો. અધિકારીઓએ જણાવ્યું કે 33 વર્ષીય દર્દી 6 માર્ચના રોજ દિલ્હીથી આવ્યો હતો અને 12 માર્ચના રોજ ટ્રેનથી ભુવનેશ્વર પહોંચ્યો હતો. કોરોના વાયરસના મામલાઓ પર રાજ્ય સરકારના પ્રમુખ પ્રવક્તા સુબ્રતો બાગચીએ મીડિયાને જણાવ્યું કે દર્દીને ભુવનેશ્વર સ્થિત કેપિટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
- દેશભરમાં હજારા વિદ્યાર્થીઓને પોતાના ઘર સુધી સીમિત કરી દેવામાં આવ્યા છે અને કર્મચારીઓ પણ ઘરેથઈ કામ કરી રહ્યા છે, કારણ કે તંત્રએ ફ્લૂ જેવા લક્ષણોને ફેલાતા રોકવા માટે ઈમરજન્સી યોજના લાગૂ કરી છે. ઘણા રાજ્યોમાં જીમ, થીયેટર્સ, સ્વિમિંગપુલ અને અન્ય સાર્વજનિક સ્થાનોને બંધ કરી દેવામાં આવ્યા છે. જમ્મૂ-કાશ્મીરના લોકપ્રિય પર્યટન સ્થળ પટણી ટોપ રિસોર્ટને પણ 31 માર્ચ સુધી બંધ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
- ઉત્તર પ્રદેશના ગૌતમ બુદ્ધ નગર જિલ્લામાં ડોક્ટરોની રજા રદ્દ કરી દેવામાં આવી છે. તો દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કહ્યું કે, કોરોના વાયરસના વધતા કહેરને ધ્યાને રાખતા રાષ્ટ્રીય રાજધાનીમાં 31 માર્ચ સુધી 50 થી વધારે લોકોની ઉપસ્થિતિ વાળા ધાર્મિક, સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમ અને રાજનૈતિક બેઠકો કરવાની મંજૂરી નહી હોય.
- સિક્કિમના મુખ્યમંત્રી પ્રેમ સિંહ તમાંગે કહ્યું કે, ન તો વિદેશી અને ન તો સ્થાનિક પર્યટકોને રાજ્યમાં પ્રવેશ કરવાની મંજૂરી આપવામાં આવશે. આ સાથે જ તેમણે 15 એપ્રિલ સુધી તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરવાની જાહેરાત કરી છે.
- સુપ્રીમ કોર્ટે દેશભરની જેલોની નોંધ લીધી. કોર્ટમાં વકીલો, અને અન્ય થર્મલની તપાસ કરવામાં આવી રહી છે. ચીફ જસ્ટિસ એસ.એ.બોબડે અને જસ્ટિસ એલ નાગેશ્વર રાવની પીઠે તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં જેલ ડિરેક્ટર જનરલ અને મુખ્ય સચિવોને નોટિસ જાહેર કરી છે. કોર્ટ આ તમામને 20 માર્ચ સુધી એ જણાવવાનો નિર્દેશ આપ્યો છે કે કોરોના વાયરસને અટકાવવા માટે કયા પગલા ભરવામાં આવી રહ્યા છે.
- વિદેશમાં ફસાયેલા ભારતીયોને સ્વદેશ લાવવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. કોરોના વાયરસથી પ્રભાવિત ઈરાનથી 53 લોકોને એર ઈન્ડિયાનું એક વિમાન દિલ્હી લાવ્યું હતું. યાત્રીઓને રાજસ્થાનના જેસલમેર મોકલી દેવામાં આવ્યા કે જ્યાં તેમને સેના દ્વારા તૈયાર કરાયેલા એક સ્વાસ્થ્ય કેન્દ્રમાં રાખવામાં આવ્યા છે.
- કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે પ્રભાવિત દેશોમાં ઈરાનનો પણ સમાવેશ થાય છે કે જ્યાં 700 છી વધારે લોકોના આ વાયરસના કારણે મોત થયા છે અને આશરે 14 હજાર લોકો સંક્રમિત છે. કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ તેમજ ચીન ઈન્ટરનેશનલ એરપોર્ટ પર સામૂહિક સ્વાગત કાર્યક્રમ આયોજિત કરવા માટે પોલીસે 79 લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. આ લોકો એક રિયાલીટી કાર્યક્રમમાં ભાગ લેનારા લોકોનું સ્વાગત કરવા માટે ભેગા થયા હતા.
- પંજાબ સરકારે રિટાયર થઈ રહેલા સરકારી ડોક્ટરો અને સ્વાસ્થ્ય કર્મચારીઓને કોરોનાને લઈને 30 સપ્ટેમ્બર સુધી કાર્યકાળ લંબાવવાનો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી અમરિંદર સિંહે બેરોજગાર એમબીબીએસ ડોક્ટરો સાથે સંપર્ક કરીને આ સંટકને નિવારવા માટે મદદ કરવા વિનંતી કરી છે.
- કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા પશ્ચિમ બંગાળ વિધાનસભાએ સમય પહેલા જ બજેટ સત્ર સમાપ્ત કરવાનો નિર્ણય કર્યો છે. વિધાનસભા પરિસરમાં બોલાવવામાં આવેલી સર્વદલીય બેઠક બાદ વિધાનસભા અધ્યક્ષ વિમાન બેનર્જીએ કહ્યું કે, બજેટ સત્રનો બીજો ભાગ શુક્રવારના રોજ થવાનો હતો પરંતુ કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા કાર્યવાહી પહેલા જ ખતમ કરવાનો નિર્ણય કર્યો છે. આ બેઠકમાં સંસદીય કાર્યમંત્રી પાર્ટ ચેટર્જી અને વિપક્ષી પાર્ટીઓના નેતાઓએ ભાગ લીધો હતો.
- કોરોના વાયરસને લઈને ઓડિશા ચૂંટણી આયોગે પંચાયતનું બાય ઈલેક્શન રદ્દ કર્યું છે. આવાસ અને શહેરી વિકાસ વિભાગે તંત્ર અને સ્થાનિક ઓફિસોને તમામ કેન્દ્રો સહિત અન્ય બિલ્ડિંગોને વિજળી અને પાણીની સુવિધાથી તૈયાર રાખવા માટે કહેવામાં આવ્યું છે કે જેથી તેનો ઉપયોગ કોરોનાના દર્દીઓની સારવાર માટે કરવામાં આવી શકે.
- તંત્રએ પ્રસિદ્ધ કોર્ણાર્ક સૂર્ય મંદીર અને ભુવનેશ્વરના ધૌલી સ્થિત શાંતિ સ્તૂપને બંધ કર્યા છે. પુરી સ્થિત જગન્નાથ પુરી, ભુવનેશ્વર સ્થિત શ્રી લિંગરાજ મંદિરમાં જવા પર પણ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. આ સિવાય તંત્રએ હરીપુર દોલા ઉત્સવ, બરુની સ્નાન સહિત અન્ય ઉત્સવો પર પ્રતિબંધ લગાવ્યો છે.
- ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને કોરોના વાયરસના સંકટને ધ્યાને રાખતા રાજ્યની તમામ શૈક્ષણિક સંસ્થાઓને 14 એપ્રીલ સુધી બંધ કરવાની જાહેરાત કરી છે. ઝારખંડ વિધાનસભામાં સોરેને કહ્યું કે, આ આદેશ 17 માર્ચથી સરકારી અને પ્રાઈવેટ શૈક્ષણિક સંસ્થાઓ સિવાય કોચિંગ સેન્ટર અને હોસ્ટેલ પર પણ લાગુ રહેશે.