કોરોનાએ રિટેલ બજારની કમર તોડીઃ પાંચ મહિનામાં રૂ. 19 લાખ કરોડનું નુકસાન

નવી દિલ્હીઃ કોરોના રોગચાળાએ દેશના રિટેલ વેપારની કમર તોડી નાખી છે. પાછલા પાંચ મહિનામાં ભારતીય રિટેલ વેપારીઓને 19 લાખ કરોડ રૂપિયાનું નુકસાન ભોગવવું પડ્યું છે. લોકડાઉન ખૂલવાના ત્રણ મહિના પછી પણ દેશભરમાં વેપારીઓ આર્થિક સંકટનો સામનો કરી રહ્યા છે. વેપારીઓની સંસ્થા કોન્ફેડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સ (CAIT)નું કહેવું છે કે રિટેલ વેપારને ટેકો આપવા જરૂરી પગલાં ના લેવામાં આવ્યાં તો દેશભરમાં આશરે 20 ટકા દુકાનો બંધ કરવી પડશે, જેનાથી મોટી સંખ્યામાં બેરોજગારી પણ વધવાની શક્યતા છે. નાણાપ્રધાન પાસે વેપારીઓએ વ્યાજ અને પેનલ્ટીથી રાહતની માગ કરી છે.

નાણાકીય સંકટ

CAITએ કહ્યું હતું કે વેપારી દુકાનો પર ગ્રાહકોની સંખ્યા ઓછી થવાથી વેપારીઓ બહુ પરેશાન છે. રિટેલ બજારમાં નાણાકીય સંકટ ઝળુંબી રહ્યું છે. નવેમ્બર-ડિસેમ્બર માટે માલની ચુકવણી જે ફેબ્રુઆરી-માર્ચ સુધી આવવી જોઈએ, એ ચુકવણી અત્યાર સુધી બજારમાં નથી થઈ.

ગ્રાહકો બજારોમાં આવતા નથી

CAITએ કહ્યું હતું કે દિલ્હી, મુંબઈ,, કોલકાતા, હૈદરાબાદ, ચેન્નઈ, નાગપુર સહિત 20 મુખ્ય શહેરોમાં રિટેલ બજારોનો સર્વે કરવામાં આવ્યો હતો. આ શહેરોમાંથી એકત્ર કરવામાં આવેલા આંકડાથી માલૂમ પડે છે કે કોરોનાએ કઈ રીતે દેશના વેપારીઓને પ્રતિકૂળ અસર કરી છે. આમ આદમીમાં કોરોનાને લઈને બહુ ડર પેસી ગયો છે, જેને કારણે સ્થાનિક ગ્રાહકો બજારોમાં આવતા નથી.

પેનલ્ટી અને વ્યાજમાં રાહત

CAITના રાષ્ટ્રીય અધ્યક્ષ બી.સી ભરતિયા અને રાષ્ટ્રીય મહામંત્રી પ્રવીણ ખંડેલવાલે કહ્યું હતું કે એક અંદાજ અનુસાર ઘરેલુ વેપારને એપ્રિલમાં પાંચ લાખ કરોડનું નુકસાન થયું હતું. મેમાં એ આશરે સાડાચાર લાખ કરોડ રૂપિયાનું અને જૂન મહિનામાં લોકડાઉન હટાવ્યા પછી આશરે ચાર લાખ કરોડ રૂપિયા, જુલાઈમાં આશરે ત્રણ લાખ કરોડ રૂપિયા અને ઓગસ્ટમાં 2,5 લાખ કરોડ રૂપિયાનું વેપારમાં નુકસાન થયું હતું.

CAITએ નાણાપ્રધાનને આગ્રહ કર્યો છે કે હાલ વેપારીઓ પર વ્યાજ આપવાનું દબાણ બેન્કો દ્વારા ના કરવામાં આવે –એના માટે બેન્કોને નિર્દેશ આપવામાં આવે. એણે કહ્યું હતું કે અમે તો માત્ર વ્યાજ હમણાં ના લેવામાં આવે અને કોઈ પણ પ્રકારની પેનલ્ટી વેપારીઓ પર ના લગાવવામાં આવે એટલી જ માગ કરી રહ્યા છીએ.

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]