લખનઉઃ કોંગ્રેસનાં મહામંત્રી પ્રિયંકા ગાંધી-વાડ્રા ગઈ કાલે સાંજે આગ્રા તરફ જતાં હતાં ત્યારે લખનઉ પોલીસે શહેરની હદના વિસ્તારમાં એમને અટકાવ્યાં હતાં. એ વખતે પ્રિયંકા ગાંધી સાથે કેટલીક મહિલા પોલીસ કોન્સ્ટેબલોએ સેલ્ફી લીધી હતી. એ તસવીરો સોશિયલ મિડિયા પર વાઈરલ થઈ છે. તસવીરોમાં પ્રિયંકા અને મહિલા કોન્સ્ટેબલોને હસતી જોઈ શકાય છે. આને કારણે લખનઉના પોલીસ કમિશનર ડી.કે. ઠાકુર ગુસ્સે થયા છે. એમણે કહ્યું છે કે જે મહિલા કોન્સ્ટેબલોએ પ્રિયંકા સાથે સેલ્ફી લીધી હતી એમની સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ સમાચાર જાણ્યા બાદ પ્રિયંકાએ કહ્યું છે કે, ‘મારી સાથે ફોટો પડાવવો એ શું કોઈ ગુનો છે? જો ગુનો હોય તો મને શિક્ષા કરો, નિષ્ઠાવાન અને મહેનતુ મહિલા કોન્સ્ટેબલોને શા માટે દોષ દો છો? એમની કારકિર્દીને ખરાબ કરવાનું ઉત્તર પ્રદેશની સરકારને શોભા દેતું નથી.’
