નવી દિલ્હીઃ દેશમાં કોરોનાવાઈરસ રોગચાળો બેકાબૂ થઈ ગયો છે અને આ મામલે કોંગ્રેસનાં વચગાળાનાં પ્રમુખ સોનિયા ગાંધીએ નરેન્દ્ર મોદી સરકારની આજે ટીકા કરી છે. કોંગ્રેસનાં રાજ્ય સભા અને લોકસભાનાં સદસ્યો સાથે આજે વર્ચ્યુઅલ બેઠક યોજ્યા બાદ તેમણે કહ્યું કે, એક વાત આપણે સ્પષ્ટપણે સમજી લઈએ કે, દેશમાં સિસ્ટમ નિષ્ફળ નથી ગઈ, પણ મોદી સરકાર નિષ્ફળ સાબિત થઈ છે.
દેશમાં કોરોનાને કારણે બગડી ગયેલી પરિસ્થિતિને માટે સોનિયા ગાંધીએ કેન્દ્ર સરકાર સામે અનેક સવાલ ઉઠાવ્યા છે અને કહ્યું કે સરકારે આ મામલે સર્વપક્ષીય બેઠક બોલાવવી જોઈએ. કોરોનાએ સર્જેલી પરિસ્થિતિ પર કાબૂ મેળવવા માટે સરકારે નક્કર વ્યૂહરચના અપનાવવી જોઈએ. દેશને એવું રાજકીય નેતૃત્ત્વ મળ્યું છે જેને જનતા તરફથી કોઈ સહાનુભૂતિ નથી.