ડોન છોટા રાજન હજી જીવે છે, AIIMSમાં સારવાર હેઠળ

નવી દિલ્હીઃ અંધારીઆલમના ખૂંખાર અપરાધી છોટા રાજનનું કોરોનાવાઈરસ બીમારીને કારણે મૃત્યુ થયું હોવાના અગાઉ અહેવાલ હતા, પરંતુ ત્યારબાદ દિલ્હી પોલીસ અને દિલ્હીની ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ મેડિકલ સાયન્સીસ (AIIMS) સંસ્થા તરફથી એનો રદિયો આવ્યો છે અને જણાવ્યું છે કે 61 વર્ષના છોટા રાજનને AIIMS  હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. એને ગઈ 26 એપ્રિલે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.

રાજેન્દ્ર નિખાલજે ઉર્ફે છોટા રાજન સામે મુંબઈમાં હત્યા અને ખંડણીને લગતા 70 ક્રિમિનલ કેસ નોંધવામાં આવ્યા છે. એ બધા કેસ સીબીઆઈને ટ્રાન્સફર કરી દેવામાં આવ્યા હતા અને એની સામે કાનૂની કાર્યવાહી ચલાવવા સ્પેશિયલ સીબીઆઈ કોર્ટની રચના કરવામાં આવી હતી. 2015માં એને ઈન્ડોનેશિયાના બાલી ટાપુ પરથી પ્રત્યાર્પણ કરીને ભારત લવાયા બાદ છોટા રાજનને દિલ્હીની તિહાર જેલમાં રાખવામાં આવ્યો હતો. મુંબઈમાં 2011ની સાલમાં ઈન્વેસ્ટિગેટિવ પત્રકાર જ્યોતિર્મય ડેની હત્યાના કેસમાં 2018માં કોર્ટે છોટા રાજનને આજીવન કેદની સજા ફરમાવી હતી.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]