કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને પત્ર લખ્યો

નવી દિલ્હીઃ કોરોના વાઇરસથી જંગ લડવા માટે દેશભરમાં લોકડાઉન સહિત અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. કેન્દ્ર સરકારે કોરોના વાઇરસ સંદર્ભે કડક નિર્ણયો પણ લીધા છે. વડા પ્રધાને આ સંદર્ભમાં રાજકીય પક્ષો સાથે ફોન પર વાત કરીને કોરોના વાઇરસ સંકટ સંબંધમાં સૂચનો મગાવ્યાં હતાં. જે સંદર્ભમાં કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને પત્ર લખીને કેટલાંક સૂચનો કર્યાં હતાં. તેમણે કેન્દ્રીય પ્રધાનમંડળના પગારમાં 30 ટકા કાપ મૂકવાના નિર્ણયને ટેકો આપ્યો હતો. તેમણે આ સાથે વડા પ્રધાનને લખ્યું હતું કે સકારાત્મક ભાવનાથી હું તમને પાંચ નક્કર સૂચનો કરું છું. મને વિશ્વાસ છે કે તમે એ સૂચનોને લાગુ કરશો.

કોંગ્રેસપ્રમુખ સોનિયા ગાંધીએ વડા પ્રધાનને લખ્યું હતું કે હું આ પડકારજનક સમયમાં તમારા સારા આરોગ્યની પ્રાર્થના કરું છું. તેમણે જે સૂચનો કર્યાં હતાં એ નીચે મુજબ છેઃ

  1. સરકારા અને સરકારી એકમો દ્વારા મિડિયા જાહેરાતો- ટેલિવિઝન, પ્રિન્ટ અને ઓનલાઇન જાહેરાતો ઉપર બે વર્ષ સુધી પ્રતિબંધ મૂકવામાં આવે. આ પૈસા કોરોના વાઇરસના સંકટને ખાળવા સામે વાપરવામાં આવે. એકમાત્ર કોવિડ-19 વિશે એડવાઇઝરી અથવા આરોગ્ય સંબંધિત જાહેરાતને  આમાં બાકાત રાખવામાં આવે. કેન્દ્ર સરકાર મિડિયા જાહેરાત પર પ્રતિ વર્ષ આશરે રૂ. 1,250 કરોડ ખર્ચ કરે છે.
  2. તેમણે સૂચન કર્યું હતું કે રૂ. 20,000 કરોડના ખર્ચે બનાવવામાં આવી રહેલા સેન્ટ્રલ વિસ્ટા બ્યુટિફિકેશન અને કન્સ્ટ્રક્શન પ્રોજેક્ટને રદ કરવામાં આવે. હાલની સ્થિતિમાં  આ ખર્ચ વ્યર્થ છે. હાલ નવી સંસદ અને નવી ઓફિસો પાછળ ખર્ચ કરવો આ કટોકટીના સમયમાં જરૂરી નથી. આની પાછળ જે કઈ ખર્ચ થવાનો હતો, એટલો ખર્ચ હોસ્પિટલો અને ડાયગ્નોસ્ટિક સુવિધાઓ પાછળ કરવામાં આવે.
  3. કેન્દ્ર સરકારના ખર્ચ બજેટ (પગાર, પેન્શન અને સેન્ટ્ર સેક્ટરની યોજનાઓ સિવાય)માં 30 ટકાનો કાપ મૂકવામાં આવે. આ રકમ પ્રતિ વર્ષ રૂ. 2.5 લાખ કરોડ થાય છે, જે મજૂરો, શ્રમિકો, ખેડૂતો, MSME અને અસંગઠિત ક્ષેત્રે કામ કરતા લોકોને સુરક્ષા આપવામાં ફાળવવામાં આવે.

4 વડા પ્રધાન, કેન્દ્રીય પ્રધાનો, મુખ્ય પ્રધાનો, રાજ્યના પ્રધાનો, બ્યુરોક્રેટ્સ (અધિકારીઓ)ના વિદેશ પ્રવાસો હાલપૂરતા ટાળી દેવામાં આવે. આમાં માત્ર રાષ્ટ્રીય હિતને કરવામાં આવતા પ્રવાસોને જ મંજૂરી આપવામાં આવે અને એ પણ વડા પ્રધાન દ્વારા લીલી ઝંડી અપાયા પછી જ કરવા દેવામાં આવે. આ પૈસા પણ કોવિડ-19ની લડાઈમાં વાપરવામાં આવે.

5 PM CARES FUND (વડા પ્રધાન રાહત ભંડોળ)ની સંપૂર્ણ રકમ  પ્રધાનમંત્રી રાષ્ટ્રીય રાહત ફંડ (PM-NRF)માં તબદિલ કરવામાં આવે, જેથી આ ફંડના ખર્ચમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, જવાબદારી અને ઓડિટ થઈ શકે PM-NRFમાં આશરે રૂ. 3,800 કરોડ (2019ના અંત સુધી) વપરાયા વગર પડી છે. જેથી આ રકમનો કોરોના સામેના જંગમાં ઉપયોગ થઈ શકે.

દેશ સમક્ષ કોવિડ-19 પડકારજનક છે, જેમાં અમારો સંપૂર્ણ સહયોગ તમારી સાથે છે.