નવી દિલ્હીઃ કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી હવે મલ્લિકાર્જુન ખડગે અને શશિ થરૂરની વચ્ચે થશે. ત્રીજા ઉમેદવાર ઝારખંડના ભૂતપૂર્વ કેબિનેટ પ્રધાન કેએન ત્રિપાઠીનું ઉમેદવારી પત્ર રદ થઈ ગયું છે. જોકે ઉમેદવારી પરત ખેંચવાની છેલ્લી તારીખ આઠ ઓક્ટોબર છે. કોંગ્રેસ અધ્યક્ષના ચૂંટણી પ્રભારી મધુસૂદન મિસ્ત્રીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ઉમેદવારોનાં ફોર્મની તપાસ થઈ ચૂકી છે. એમાં 20 ફોર્મ્સમાંથી ચારમાં ફોર્મ્સમાં હસ્તાક્ષર અલગ-અલગ હોવાથી એ ફોર્મને રદ કરી દેવામાં આવ્યાં છે.
કોંગ્રેસ અધ્યક્ષપદની ચૂંટણી 17 ઓક્ટોબરે થવાની છે. કોંગ્રેસ અધ્યક્ષપદ માટે મલ્લિકાર્જુન ખડગેએ રાજ્યસભામાંથી રાજીનામું આપી દીધું છે. તેમણે તેમનું રાજીનામું વચગાળાનાં અધ્યક્ષ સોનિયા ગાંધીને મોકલી આપ્યું છે. કોંગ્રેસની ઉદેપુર ચિંતન શિબિરમાં ‘એક નેતા, એક પદ’નો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. એને ધ્યાનમાં રાખતાં મલ્લિકાર્જુન ખડગેએ રાજીનામું આપ્યું છે. કોંગ્રેસપ્રમુખપદની ચૂંટણી મલ્લિકાર્જુનની સામે થરૂર ના ટકે એવી શક્યતા છે, કેમ કે મલ્લિકાર્જુન ખડગે નેહરુ-ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર માનવામાં આવે છે. તેઓ રાહુલ અને સોનિયાના બચાવમાં સતત પત્રકાર પરિષદ કરતા રહે છે.
https://twitter.com/ShashiTharoor/status/1576149607918489601
બીજી બાજુ, શશિ થરૂર હવે નેહરુ-ગાંધી પરિવાર પ્રત્યે વફાદાર નથી ઓળખાતા. તેમની ગણતરી અસંતુષ્ટ કોંગ્રેસ નેતાઓમાં થાય છે. થરૂર G-23ના સભ્ય છે. પક્ષમાં અંદર સુધારાની માગ તેઓ કરતા રહે છે. તેમણે કોંગ્રેસ અધ્યક્ષ પદની ચૂંટણીમાં મતદાર યાદીને જાહેર કરવાની માગ કરી હતી. 66 વર્ષીય થરૂરે ખડગેને ભીષ્મ પિતામહ ગણાવ્યા છે.
જોકે થરૂરે કેટલાય મુદ્દે ખૂલીને વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ અધ્યક્ષની ચૂંટણીએ કોઈ લડાઈ નથી. પાર્ટીના કાર્યકર્તાઓને તેમનો અધ્યક્ષ પસંદ કરવા દો. તેમણે કહ્યું હતું કે જો તમે પાર્ટીના કામથી સંતુષ્ટ હો તો ખડગેજીને મત આપસો અને જો તમે બદલાવ ઇચ્છતા હો તો મને મત આપજો.