રાષ્ટ્રપિતા ગાંધીજીને જન્મતિથિ નિમિત્તે વડાપ્રધાનની શ્રદ્ધાંજલિ

નવી દિલ્હીઃ મહાન સ્વાતંત્ર્ય સેનાની, દેશના ‘રાષ્ટ્રપિતા’નું બિરુદ પામેલાં અને સમગ્ર વિશ્વને અહિંસા અને સત્યનો માર્ગે બતાવનાર મોહનદાસ કરમચંદ ગાંધી – મહાત્મા ગાંધીની આજે 153મી જન્મતિથિ છે. ગાંધીજીની સ્મૃતિમાં અને યાદમાં દર વર્ષે બીજી ઓક્ટોબરનો દિવસ સમગ્ર વિશ્વમાં ‘આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ’ તરીકે ઉજવવામાં આવે છે. દેશના ટોચના નેતાઓ સહિત તમામ મહાનુભાવોએ ગાંધીજીને શ્રદ્ધાંજલિ આપી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, વિરોધ પક્ષ કોંગ્રેસનાં નેતા સોનિયા ગાંધીએ આજે સવારે અત્રે રાજઘાટ સ્મારક ખાતે જઈને ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી હતી. રાજઘાટ ખાતે ભજન અને ભક્તિગીતોના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

ભારત દેશ આજે દ્વિતીય વડા પ્રધાન અને મહાન-આદરણીય નેતા લાલબહાદુર શાસ્ત્રીની 118મી જન્મતિથિ પણ ઉજવી રહ્યો છે. વડા પ્રધાન મોદી, લોકસભાના સ્પીકર ઓમ બિરલા તમામ ટોચના નેતાઓએ નવી દિલ્હીમાં શાસ્ત્રીજીના સ્મારક સ્થળ વિજય ઘાટ ખાતે જઈને એમને પુષ્પાંજલિ અર્પણ કરી હતી.

વડા પ્રધાન મોદીએ ગાંધીજી અને શાસ્ત્રીજીને શ્રદ્ધાંજલિ આપતાં ટ્વીટ પણ કર્યા છે. ગાંધીજી વિશે એમણે લખ્યું છે કે, ‘ગાંધી જયંતીનું વિશેષ મહત્ત્વ છે, કારણ કે હાલ આપણો દેશ આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. હું જનતાને અપીલ કરું છું કે તેઓ બાપુનાં આદર્શોનું પોતપોતાનાં જીવનમાં પાલન કરે. હું આપને ખાદી અને હસ્તકળા ઉત્પાદનોની ખરીદી કરવાની પણ અપીલ કરું છું.’ શાસ્ત્રીજી વિશે મોદીએ લખ્યું છે કે, ‘શાસ્ત્રીજી સમગ્ર દેશમાં એમના સાદગીપૂર્ણ સ્વભાવ તથા નિર્ણાયક વલણને માટે પ્રશંસનીય બન્યા છે. ઈતિહાસના મહત્ત્વપૂર્ણ સમયમાં એમના દૃૃઢ નેતૃત્વને હંમેશાં યાદ રાખવામાં આવશે. એમને જન્મજયંતી નિમિત્તે વિનમ્ર અભિવાદન.’