નવી દિલ્હીઃ દેશના અનેક ભાગોમાં કોમી હિંસાની બનેલી ઘટનાઓ અંગે 13 વિરોધપક્ષોના નેતાઓએ બહાર પાડેલા એક સંયુક્ત નિવેદનના ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા ગૌરવ ભાટિયાએ કડક રીતે પ્રત્યાઘાત આપ્યા છે અને કહ્યું છે કે કોંગ્રેસ તથા અન્ય પક્ષોએ જ જુદા જુદા સમુદાયોમાં સાંપ્રદાયિક સંવાદિતાને બગાડી છે.
ભાટિયાએ બેવડું વલણ અપનાવવાનો વિપક્ષી નેતાઓ પર આરોપ પણ મૂક્યો છે. એમણે કહ્યું છે કે સંયુક્ત નિવેદનમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં પ્રમુખ મમતા બેનરજી પણ જોડાયાં છે જ્યારે એમની પાર્ટીના શાસનવાળા પશ્ચિમ બંગાળમાં આગચંપી અને કોમી હિંસાના મોટા પાયે બનાવો બન્યા છે. આ જ દર્શાવે છે કે કોંગ્રેસ અને વિરોધપક્ષો જ કોમી સંવાદિતાના બગાડા માટે જવાબદાર છે.
સંયુક્ત નિવેદનમાં વિરોધપક્ષોએ લોકોને શાંતિ અને કોમી સંવાદિતા જાળવવાની અપીલ કરી છે.
