વિદ્યાર્થીઓને વિરોધમાં જોડાવા રાહુલની હાંકલ

નવી દિલ્હીઃ CAA (નાગરિકતા સંશોધન કાયદો) અને NRC (રાષ્ટ્રીય નાગરિક રજિસ્ટર) ના વિરોધમાં દેશભરમાં પ્રદર્શનો થઈ રહ્યા છે. ત્યારે કોંગ્રેસ નેતા રાહલ ગાંધીએ એક ટ્વીટ કરીને યુવાનોને આજે બપોરે ત્રણ વાગ્યે રાજઘાટ પહોંચવાની અપીલ કરી છે. રાહુલ ગાંધીએ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, વ્હાલા વિદ્યાર્થીઓ અને યુવાનો આ નફરતના સમયમાં આપણે એ બતાવવું પડશે કે તમે આ દેશને નષ્ટ નહી થવા દો. મોદી અને શાહ દ્વારા ભારતમાં શરુ કરવામાં આવેલી નફરત અને હિંસાના વિરોધમાં બપોરે ત્રણ વાગ્યે રાજઘાટ પર મારી સાથે જોડાઓ.

ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદો અને એનઆરસી વિરુદ્ધ પ્રદર્શનોની પૃષ્ઠભૂમિમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો કે વડાપ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ દેશના લોકો તોડી રહ્યા છે તેમજ પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે નફરતનો સહારો લઈ રહ્યા છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું કે, ભારતના વ્હાલા યુવાનો, મોદી અને શાહે તમારા ભવિષ્યને બરબાદ કરી નાખ્યું છે. તેઓ નોકરીઓની કમી અને અર્થવ્યવસ્થાની સ્થિતિને લઈને તમારા ગુસ્સાનો સામનો નથી કરી શકતા. આ જ કારણ છે કે આપણા વ્હાલા ભારતને તેઓ તોડી રહ્યા છે અને નફરતનો સહારો લઈ રહ્યા છે.

રાહુલ ગાંધીએ જણાવ્યું કે, આપણે દરેક ભારતીય પ્રત્યે સ્નેહ દર્શાવીને આ લોકોને હરાવી શકીએ છીએ. વિદ્યાર્થીઓને લગતા અન્ય એક ટ્વીટમાં રાહુલે કહ્યું કે, ભારતના વ્હાલા વિદ્યાર્થીઓ, કોઈપણ ભારતીય વિદ્યાર્થી મોદી-શાહને આ પ્રકારે દેશને તોડવા ન દે જેવી રીતે તેઓ તોડી રહ્યા છે. ભારતના વિદ્યાર્થીઓ, તમે ભારતનું ભવિષ્ય છો અને ભારત તમારું ભવિષ્ય છે. આવો એક સાથે ઉભા રહીને તેમની નફરત વિરુદ્ધ લડીએ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]