બિહારમાં નાગરિકતા કાયદાનો વિરોધઃ તેજસ્વી યાદવે રાજ્યના મુખ્યમંત્રી પર કર્યા પ્રહારો

પટણાઃ નાગરિકતા સંશોધન કાયદાનો બિહારમાં પણ ખૂબ વિરોધ થઈ રહ્યો છે. રાષ્ટ્રીય જનતા દળના નેતા તેજસ્વી યાદવે રાજ્યમાં અરાજક તત્વો પર કાર્યવાહી ન કરવા પર મુખ્યમંત્રી નીતિશ કુમાર પર નિશાન સાધ્યું છે. તેજસ્વીએ કહ્યું કે, મુખ્યમંત્રીએ બંગડીઓ પહેરી છે કારણ કે તેઓ એ લોકો વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતા કે જેઓ રાજ્યની વ્યવસ્થા ખરાબ કરી રહ્યા છે.

તેજસ્વી યાદવે કહ્યું કે, ભાજપના નેતા ટીવી પર થતી ડિબેટ્સમાં કહે છે કે ઠોકીશું અને શાંત કરીશું. ગિરિરાજ સિંહ હંમેશા ભડકાઉ ભાષણ આપે છે. અસામાજીક તત્વોને તાત્કાલીક ધરપકડ થવી જોઈએ. જો તેઓ આ લોકો વિરુદ્ધ કાર્યવાહી નથી કરી શકતા, તો તેમણે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું જોઈએ.

આરજેડી નેતાએ આગળ જણાવ્યું કે, શનિવારના રોજ અમે બિહારમાં શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કર્યું. કેટલાક અસામાજીક તત્વોએ ફાયરિંગ કર્યું. મેં ઘાયલો સાથે હોસ્પિટલ જઈને મુલાકાત કરી. તેમાંથી એકની હાલત અત્યંત નાજુક છે. ઉલ્લેખનીય છે કે બિહારમાં શનિવારના રોજ આરજેડીએ નાગરિકતા સંશોધન કાયદાના વિરોધમાં બંધનું એલાન કર્યું હતું.

આ દરમિયાન આરજેડી નેતાઓ અને કાર્યકર્તાઓએ રાજ્યમાં ખૂબ વિરોધ કર્યો હતો. તેમણે લોકો સાથે મારામારી કરી, ગાડીઓમાં તોડફોડ કરી, અને એક આરજેડી નેતા તો રિક્ષામાં તોડફોડ કરતા પણ કેમેરામાં કેદ થયા. ઘણી જગ્યાઓ પર પત્રકારો સાથે મારપીટ કરવામાં આવી. પાર્ટીના ટોચના નેતાઓએ આના પર નારાજગી વ્યક્ત કરતા કેટલાક નેતાઓ પર કાર્યવાહી કરી છે. હવે તેમને રાજ્યમાં પાર્ટીની ઈમેજ ખરાબ થવાની ચિંતા સતાવી રહી છે.