હીરાબા વિશે ગોપાલ ઈટાલીયાની ટિપ્પણીને કોંગ્રેસે વખોડી કાઢી

રાયપુરઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ જાતિવાદી ટિપ્પણી કરવા બદલ આમ આદમી પાર્ટીના ગુજરાત એકમના પ્રમુખ ગોપાલ ઈટાલીયાની છત્તીસગઢના મુખ્ય પ્રધાન ભૂપેશ બઘેલે ઝાટકણી કાઢી છે. એમણે કહ્યું કે, ‘ઈટાલીયાએ વડા પ્રધાનના માતા વિશે વાંધાજનક ટિપ્પણી કરી છે એને ગુજરાત તથા દેશ ચલાવી ન લે. વડા પ્રધાનના માતા હીરાબા 100 વર્ષનાં થયાં છે અને એમને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. કોંગ્રેસ પાર્ટી ઈટાલીયાની કમેન્ટને વખોડી કાઢે છે. હવે ગુજરાતમાં આગામી વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભાજપ-AAPનો નહીં, પણ ભાજપ-કોંગ્રેસ વચ્ચે થશે. AAP એ આમ આદમી પાર્ટી નથી, પણ ખાસ આદમી પાર્ટી છે.’

ઉલ્લેખનીય છે કે, ઈટાલીયાનો ગયા અઠવાડિયાનો એક વીડિયો ઈન્ટરનેટ પર વાઈરલ થયો છે, જેમાં એ એવું બોલતાં સંભળાય છે કે, ‘મહિલાઓએ મંદિરોમાં દર્શન કરવા જવું ન જોઈએ અને કથા સાંભળવી ન જોઈએ, કારણ કે મંદિરો શોષણનાં કેન્દ્રો છે.’ ઈટાલીયાએ બાદમાં વડા પ્રધાન મોદીની જાતિ અંગે ખરાબ ટિપ્પણી કરી હતી. એની સામે રાષ્ટ્રીય મહિલા અધિકાર પંચે વાંધો ઉઠાવ્યો હતો અને દિલ્હી પોલીસે ગયા ગુરુવારે ઈટાલીયાને અટકમાં પણ લીધા હતા.