રાજ્યના ટ્રાફિકવાળા હાઇવેઝ કેન્દ્ર હસ્તક લેવાની વિચારણાઃ ગડકરી

નવી દિલ્હીઃ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર એવા સ્ટેટ હાઇવેઝના વિસ્તરણ પર વિચાર કરી રહી છે, જ્યાં ટ્રાફિક ખૂબ વધુ છે. સરકાર આ સ્ટેટ હાઇવેઝને ઓવરટેક કરવા માટે એક યોજના લાવે એવી પણ શક્યતા છે. રોડ, પરિવહન અને હાઇવેઝપ્રધાન ગડકરીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકાર સ્ટેટ હાઇવેઝને ચાર અથવા છ લેન કરશે અને રાજ્યને એસેટ પરત કરતાં પહેલાં 25 વર્ષ સુધી ટોલ વસૂલશે. એસોસિયેશન ઓફ નેશનલ એક્સચેન્જ મેમ્બર્સ ઓફ ઇન્ડિયા (ANMI)ના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું હતું કે અમે રાજ્ય સરકાર પાસેથી હાઇવે લઈ લઈશું અને ટોલ વસૂલીશું.

દેશભરમાં મેગા રોડ પ્રોજેક્ટ્સના નિર્માણ દ્વારા પોતાની છબિ ઉજાગર કરનાર મંત્રીએ કહ્યું હતું કે હાઇવેને વધારીને 4-6 લેન કરવામાં થનારા મૂડીરોકાણને 12-13 વર્ષમાં વસૂલી શકાશે. શું કેન્દ્ર અને રાજ્યો વચ્ચે આ સંબંધે વાતચીત થઈ રહી છે. એના પર તેમણે વધુ માહિતી નહોતી આપી. આ ઉપરાંત તેમણે આ માટેના નાણાં સ્રોતનો પણ ઉલ્લેખ નહોતો કર્યો.

તેમણે કહ્યું હતું કે દેશભરના 75 નિયંત્રિત પહોંચવાળા એક્સપ્રેસવેમાં ગુડ્સ અને લોકોની ઝડપી આવજા- સુનિશ્ચિત થશે. મુંબઈ અને બેંગલુરુ વચ્ચે એક એક્સપ્રેસવે બનાવવ પર કામ જારી છે, જેથી મહારાષ્ટ્રથી કર્ણાટક પાંચ કલાકમાં પહોંચી શકાશે. તેમણે રોકાણકારોને વર્ચ્યુઅલી સંબોધતાં કહ્યું હતું કે સરકારી યોજનાને પગલે રોડ ક્ષેત્રે ખાસ તક છે. અહીં રોકાણકારોને વળતર સારું છે.