નાગરિકતા કાયદાના વિરોધની જ્વાળા આ રાજ્યોમાં પણ ફેલાઇ છે

નવી દિલ્હીઃ દેશભરમાં નાગરિકતા કાયદાનો જોરદાર વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગઈકાલે દેશના અલગ અલગ શહેરોમાં પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. કેટલીક જગ્યાઓ પર પ્રદર્શન હિંસામાં ફેરવા ગયા. બસો અને ગાડીઓમાં આગ લગાવી દેવામાં આવી. મેંગલુરુમાં બે અને લખનઉમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું. રાજ્યોએ સંવેદનશીલ વિસ્તારોમાં કલમ 144 લગાવી દિધી છે. આજે પણ દેશના કેટલાક ભાગોમાં આ એક્ટને લઈને વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે. ભીમ આર્મી આજે દિલ્હીમાં જામા મસ્જિદથી લઈને ઈન્ડિયા ગેટ સુધી માર્ચ કરશે. પ્રદર્શનકારીઓ દ્વારા બપોરે એક વાગ્યાથી શાહીન બાગમાં ચક્કાજામ કરવાની તૈયારી છે.

ગેરકાયદેસર ધરપકડ અને કલમ 144 ના વિરોધમાં સાંજે પાંચ વાગ્યે ઈન્ડિયા ગેટ પર પ્રદર્શન કરવામાં આવશે. વિરોધ પ્રદર્શનને ધ્યાને રાખતા જામિયા મિલિયા ઈસ્લામિયા, જસોલા વિહાર અને શાહીન બાગ મેટ્રો સ્ટેશનો આજે પણ બંધ રહેશે. ઉત્તર પ્રદેશના કેટલાક જિલ્લાઓમાં સરકાર વિરુદ્ધ પ્રદર્શનની તૈયારી કરવામાં આવી રહી છે.

ગઈકાલે લખનઉમાં થયેલી હિંસાને જોતા રાજ્ય સરકારે રાજધાનીમાં આવતીકાલે બપોર સુધી મોબાઈલ ઈન્ટરનેટ અને એસએમએસ સેવાઓ બંધ કરી દીધી છે. મુખ્ય સચિવ અવનીશ કુમાર અવસ્થીએ આ મામલે ગઈકાલે મોડી રાત્રે નિર્દેશ જાહેર કર્યા છે. અવસ્થીએ સરકારી આદેશમાં કહ્યું છે કે, આ આદેશ 19 ડિસેમ્બરના રોજ બપોરે ત્રણ વાગ્યાથી 21 ડિસેમ્બર બપોરે 12 વાગ્યા સુધી લાગુ પડશે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં થયેલી હિંસાને લઈને કહ્યું કે, લોકતંત્રમાં હિંસા માટે કોઈ જગ્યા નથી. નાગરિકતા કાયદાના વિરોધના નામ પર કોંગ્રેસ, સપા અને વામ દળોએ આખા દેશમાં આગ લગાવી છે. અસામાજિક તત્વો સામે કડક પગલા લેવાશે.

બીજીતરફ રાજસ્થાનમાં ભાજપના કાર્યકર્તા નાગરિકતા કાયદાના સમર્થન અને રાજ્યમાં કોંગ્રેસ દ્વારા આને લાગુ ન કરવાના વિરોધમાં પ્રદર્શન કરશે. ભાજપના પ્રદેશમંત્રી મુકેશ દધીચે કહ્યું કે, નાગરિકતા કાયદાના સમર્થનમાં રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર દ્વારા આને ટાળવાના વિરોધમાં શહિદ સ્મારકથી સિવિલ લાઈન ફાટક સુધી રેલી, પ્રદર્શન અને સભા થશે.