ઉન્નાવ રેપ કેસમાં કુલદીપ સિંહને આજીવન કેદ

ઉન્નાવઃ ઉન્નાવ રેપ અને અપહરણના કેસમાં દોષિત ઠેરવવામાં આવેલા કુલદીપસિંહ સેંગરની સજા પર તીસહજારી કોર્ટે આજે ચુકાદો આપ્યો છે. ભારતીય જનતા પાર્ટીના સસ્પેન્ડેડ ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને ઉમરકેદની સજા ફટકારવામાં આવી છે. આ સાથે જ સેંગરને દંડ પણ ફટકારાયો છે.તીસ હજારી કોર્ટે કુલદીપસિંહ સેંગરને દોષિત ઠેરવ્યો અને આજે સજાની જાહેરાત કરી. આજીવન કેદની સાથે કુલદીપ સિંહ સેંગર પર 25 લાખનો દંડ પણ ફટકારવામાં આવ્યો ચુકાદો આવ્યો ત્યારે કુલદીપ સિંહ સેંગર હાથ જોડીને ઊભો રહ્યો હતો.

કોર્ટે સેંગરને અપરહણ અને રેપના કેસમાં દોષિત ઠેરવ્યો. સજા પર ચર્ચા દરમિયાન સીબીઆઈએ મહત્તમ સજાની માગણી કરી હતી. 16 ડિસેમ્બરના રોજ દિલ્હીની તીસ હજારી કોર્ટે સેંગરને કલમ 376 અને પોક્સોની સેક્શન 6 હેઠળ દોષિત ઠેરવ્યો હતો. જ્યારે 17 ડિસેમ્બરે સજા પર ચર્ચા થઈ હતી.

આ પહેલા શુક્રવાર સવારે સુનાવણી શરૂ થતાં જજે કુલદીપ સેંગરને લૉકઅપથી લાવવા માટે કહ્યું. ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો. બીજી તરફ બચાવ પક્ષના વકીલે ફરી એકવાર કહ્યું કે તેમના અસીલ કુલદીપ સેંગરની બે દીકરીઓ અને પત્ની છે, તેમની પર તમામની જવાબદારી છે. તેથી સજા આપતી વખતે આ વાત ધ્યાનમાં લેવામાં આવે.નોંધનીય છે કે, આ પહેલા 17 ડિસેમ્બરે આ મામલાની સુનાવણીમાં સીબીઆઈએ સેંગરને મહત્તમ સજા આપવાની માંગ ઉઠાવી હતી. સાથોસાથ પીડિતાને યોગ્ય વળતર આપવાનો આગ્રહ કર્યો હતો. બીજી તરફ બચાવ પક્ષના વકીલે કોર્ટમાં કહ્યું કે તેમનીની ઉંમર 54 વર્ષ છે અને તેમનું સમગ્ર કારકિર્દી જોવામાં આવે તો વર્ષ 1988થી અત્યાર સુધી તેઓ પબ્લિક ડીલિંગ કરતા રહ્યા છે. તેઓએ હંમેશા લોકોની સેવા કરી છે. સાથોસાથ વકીલે કહ્યું હતું કે તેમની વિરુદ્ધ આ પહેલો મામલો છે. તેમની બે દીકરીઓ છે જે લગ્નને લાયક છે એવામાં તેમને ઓછામાં ઓછી સજા આપવી જોઈએ.

ગત સોમવારે કોર્ટે પોતાનો ચુકાદો આપતાં ધારાસભ્ય કુલદીપસિંહ સેંગરને દોષી ઠેરવ્યો હતો. કોર્ટે મામલામાં આરોપી બનાવવામાં આવેલા શશિ સિંહની ભૂમિકાને સંદેહમાં મૂકી. શશિ સિંહની વિરુદ્ધ પૂરતાં પુરાવા ન હોવાના અને તેમની સીધી રીતે ભૂમિકા સ્પષ્ટ ન થવાના કારણે કોર્ટે તેમને સંદેહનો લાભ આપતાં મામલામાંથી નિર્દોષ જાહેર કરી દીધા હતા.

નોંધનીય છે કે, કુલદીપ સેંગર પર હજુ ત્રણ વધુ મામલા દિલ્હીની વિશેષ સીબીઆઈ કોર્ટમાં ચાલી રહ્યા છે. હજુ સેંગરને દુષ્કર્મના મામલામાં દોષી કરાર કરવામાં આવ્યો છે. વર્ષ 2017માં મામલો સામે આવ્યા બાદ કુલદીપ સેંગરની 14 એપ્રિલ, 2018ના રોજ ધરપકડ કરવામાં આવી હતી. ત્યારબાદ બીજેપીએ તેને પાર્ટીથી હાંકી કાઢ્યો હતો.

90 ના દશકમાં કોંગ્રેસથી પોતાના રાજનૈતિક કરિયરના જીવનની શરુઆત કરનારો કુલદીપ સિંહ સેંગર હવે જેલના સળીયા પાછળ ધકેલાઈ ગયો છે. ધારાસભ્ય કુલદીપ હતો પરંતુ તેના પદનો કાર્યભાર તેનો ભાઈ અતુલ સિંહ સેંગર અને મનોજ સિંહ સેંગર નિભાવતા હતા. ટેક્સી, બસ સ્ટેન્ડમાં હપ્તા ઉઘરાવવાથી લઈને ખનન સુધીના તમામ ગેરકાયદેસર ધંધા આ લોકો કરતા હતા.

ઉત્તર પ્રદેશમાં 2017 ની વિધાનસભા ચૂંટણી પહેલા સમાજવાદી પાર્ટીનો સાથ છોડીને ભાજપમાં જોડાયેલા કુલદીપ સિંહ સેંગરે બાંગરમઉથી ચૂંટણી લડી હતી. ન માત્ર સેંગરે ચૂંટણી લડી પરંતુ પોતાના બળે જીત પણ મેળવી.સેંગરે આ પહેલા વર્ષ 2012 ની વિધાનસભા ચૂંટણીમાં ઉન્નાવની જ ભગવંતનગર સીટથી સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડી હતી અને જીત મેળવી હતી.

કુલદીપ સિંહ સેંગર દ્વારા ચૂંટણી પહેલા આપવામાં આવેલી એફિડેવીટમાં ચૂંટણી દરમિયાન ગેરરીતી કરવાનો એક કેસ હોવાનો ઉલ્લેખ કરાયો છે. કરોડોની અચલ સંપત્તિનો માલિક સેંગર મૂળ માખી ગામનો રહેવાસી છે. કુલદીપ સિંહ સેંગરે રાજનીતિની શરુઆત કોંગ્રેસથી કરી પરંતુ તે કોંગ્રેસ સાથે લાંબા સમય સુધી ન રહ્યો. 2002 માં જ્યારે વિધાનસભા ચૂંટણી આવી ત્યારે કુલદીપ સિંહ કોંગ્રેસનો હાથ છોડીને બીએસપી સાથે જોડાયો હતો.

કુલદીપ સિંહ સેંગરે ચૂંટણીના મેદાનમાં કોંગ્રેસના ઉમેદવારને મોટા માર્જિનથી હરાવ્યા હતા. બાહુબલીની છબી બનાવવાના કારણે વર્ષ 2007 પહેલા બહુજન સમાજ પાર્ટીના પ્રમુખ માયાવતી દ્વારા તેને પાર્ટીની બહાર કાઢવામાં આવ્યો હતો. પછી કુલદીપ સિંહ સેંગરે સમાજવાદી પાર્ટીનો હાથ પકડીને બાંગરમઉથી જીત પ્રાપ્ત કરી હતી.

કુલદીપ સિંહ સેંગરના પડોશીએ મિડીયા સાથે વાત કરી. તેઓએ કહ્યું કે, કુલદીપ સિંહની રાજનીતિની શરુઆત માખી ગ્રામસભાના પ્રમુખ તરીકે થઈ હતી. ધારાસભ્ય બનતા પહેલા તે 15 વર્ષ સુધી આ પદ પર રહ્યો. માખી કુલદીપનું મોસાળ છે. બાળપણથી જ તે અહીંયા જ રહ્યો હતો. તેના નાના આ પહેલા લાંબા સમય સુધી અહીંયા પ્રધાન રહ્યા હતા. અત્યારે કુલદીપનો નાનો ભાઈ અતુલ સિંહની પત્ની માખી ગ્રામસભામાં પ્રમુખ છે. કુલદીપ સિંહ સેંગર ખૂબ નાની ઉંમરમાં ગામપંચાયતનો પ્રમુખ બન્યો હતો.