નાગરિકતા બિલ: ભાજપે ધર્યું મનમોહનના આ વિડિયોનું શસ્ત્ર

નવી દિલ્હી: બાંગ્લાદેશના અલ્પસંખ્યકોની નાગરિકતાની તરફેણ કરતો મનમોહન સિંહના વિડિયોને ભાજપ દ્વારા પોસ્ટ કરાયા બાદ કોંગ્રેસે કહ્યું કે, વર્તમાન સ્થિતિ સાથે તેમની તુલના કરવી નકલી અને કપટપૂર્ણ છે, કારણ કે, કોઈ પણ અગાઉની સરકારોએ આ ઉદેશ્ય માટે કાયદામાં ફેરફાર નહતો કરવો પડયો. કોંગ્રેસ પ્રવક્તા અભિષેક સિંઘવીએ કહ્યું કે, લિયાકત-નેહરુ કરાર અને 1971ની વાત કરવામાં આવી રહી છે. શું તે તુલનીય છે? ભાગલા વખતે જે થયું શું તેની આજ સાથે સરખામણી કરી શકાય? ભાજપે આપેલું ઉદાહરણ નકલી, કપટપૂર્ણ છે.

તેમણે વધુમાં કહ્યું કે, 2004થી 2014ની વચ્ચે મનમોહન સિંહ સરકારે લોકોને નાગરિકતા આપવા માટે કોઈ નવો કાયદો પારિત કર્યો નહતો. કોંગ્રેસ નેતાએ કહ્યું આજે તમે ત્રણ દેશોમાં સમુદાયોના નામ લઈને નવો  કાયદો લાવ્યા…અત્યાર સુધીની કોઈપણ સરકાર આ પ્રકારનો નવો કાયદો નથી લાવી. શું વાજપેયી સરકાર આવો કોઈ કાયદો લાવી હતી?

સિંઘવીએ આગળ કહ્યું કે, આ પ્રકારના કાયદાની ન તો કોઈએ કલ્પના કરી હતી કે, ન તો કોઈએ આનો પ્રસ્તાવ રાખ્યો હતો. સંશોધિત નાગરિકતા કાયદાને લઈને વિપક્ષી દળોના હુમલા વચ્ચા ભાજપે ગુરુવારે પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના 2003માં રાજ્યસભામાં આપેલા ભાષણનો વિડિયો શેર કર્યો જેમાં તેઓ બાંગ્લાદેશ જેવા દેશોના અલ્પસંખ્યકોને ભારતીય નાગરિકતા આપવામાં ઉદારવાદી વલણ દાખવવાની તરફેણ કરતા જોવા મળે છે.